ગોંડલ નજીકનો નેશનલ હાઇવે અકસ્માત માટે કુખ્યાત બની ગયો છે ત્યારે ઉમવાળા ચોકડીએ માતેલા સાંઢની માફક દોડી આવી રહેલા ટ્રકના ચાલકે બેફિકરાઇથી વાહન હંકારીને બે ટ્રેકટર અને એક બાઈકને અડફેટે લેતા અકસ્માતમાં બે વ્યક્તિને ઇજા પહોંચી હતી. જેમાં એકની હાલત વધુ ગંભીર જણાતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘાયલ દર્દીની આર્થિક પરિસ્થિતિ નબળી હોય માર્કેટીંગ યાર્ડના ચેરમેન અને ડિરેક્ટરે દોડી જઇ વ્હારે આવી સારવારના સઘળા ખર્ચની જવાબદારી યાર્ડ દ્વારા નિભાવમાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા ધાણાંની આવક શરૂ કરવામાં આવનાર હોય માર્કેટીંગ યાર્ડના દરવાજાની બંને સાઈડ પાંચથી સાત કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી હોય દરમ્યાન ઉમવાળા ચોકડી પાસે ડુંગળી ભરીને પસાર થઈ રહેલા ટ્રકે બે ટ્રેકટર અને એક બાઈક ને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં બાબુભાઇ ભીમજીભાઈ ચાવડા (રહે. ડેરી આંબરડી તા. ધ્રાફા) ગંભીર રીતે ઘવાયા હતા. જો કે પ્રાથમિક સારવાર સરકારી હોસ્પિટલમાં આપી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘાયલ દર્દીના વ્હારે માર્કેટીંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા અને ડિરેક્ટર પ્રફુલભાઈ ટોળીયા દોડી ગયા હતા દર્દીની આર્થિક પરિસ્થિતિ નબળી હોય સારવારનો ખર્ચ યાર્ડ દ્વારા ચૂકવવામાં આવશે તેવું જણાવી સરાહનીય કાર્ય કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.