અધિકારી રજા પર:ગોંડલ પ્રાંત અધિકારી વિહોણું, અરજદારોને પગે ઉતરે છે પાણી

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇન્ચાર્જ અધિકારી પાસે અનેક જવાબદારીઓ હોઇ કાર્યબોજ ઘટતો જ નથી

વિધાનસભાની ચુંટણી બાદ પ્રાંત અધિકારીની અચાનક અને આશ્ચર્યકારક બદલી થયા બાદ તેમની જગ્યાએ આઇએએસ કેડરના અધિકારીની નિમણુંક તો કરાઇ, પરંતુ આ અધિકારી લાંબી રજા પર હોય હાલ પ્રાંત કચેરી ધણીધોરી વગરની બનવા પામી છે.ચાર્જમાં રહેલા અધિકારી પર જિલ્લા કક્ષાની પણ જવાબદારીઓ હોય ગોંડલને ફુલ ટાઇમ ફાળવી શકતા ન હોય અરજદારોની હાલત કફોડી થવા પામી છે. અનેક પ્રશ્ર્નો ટલ્લે ચડ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.

તત્કાલીન પ્રાંત અધિકારી કે.વી.બાટી ની બદલી બાદ આસિસ્ટન્ટ કલેક્ટર અને આઇએએસ કેડરના કુ.દેવાહુતીની નિમણુંક કરાઇ છે.પરંતુ દોઢ માસથી કુ.દેવાહુતી રજા પર હોય તેઓનો ચાર્જ રાજકોટ મધ્યાન ભોજન ડે.કલેક્ટર સુથારને સોંપાયો છે.એમડીએમ તરીકે સુથાર પર જિલ્લા કક્ષાની જવાબદારીઓ પહેલેથી જ છે.

ઉપરાંત ગોંડલ ડિવિઝનમાં જેતપુર પણ આવતુ હોય ગોંડલ ડિવિઝનની બબ્બે જવાબદારીઓ વહન કરવાની રહે છે.આમ અનેક જવાબદારીઓ સંભાળતા આ અધિકારી સ્વાભાવિકપણે ગોંડલ ને પુરતો સમય ફાળવી શકતા ન હોય અનેક પ્રશ્ર્નો સર્જાયા છે.

પ્રાંત અધિકારી ફુલટાઇમ કચેરીમાં ન હોવાથી અરજદારોને ધક્કા ખાવા પડે છે. સુત્રો અનુસાર હાલ ચાર્જમા રહેલા સુથાર અઠવાડિયામાં બે થી ત્રણ દિવસ જ ગોંડલ હાજરી આપી શકે છે.આવી જ હાલત જેતપુરની થઈ છે.

જિલ્લામા ગોંડલ મહત્વનુ સેન્ટર છે.ત્યારે ફુલ ટાઇમ પ્રાંત અધિકારી હોવા જરુરી છે. હવે પ્રાંત કચેરી અધિકારી વિહોણી હોય અરજદારોની હાલત કફોડી થઈ છે. વહેલી તકે આ અંગે યોગ્ય નિર્ણય લેવાય તેવી લોક માંગ ઉઠવા પામી છે.

વિધાનસભાની ચૂંટણી બાદ માંડ કરીને વિકાસ કામો ધીમે ધીમે વેગ પકડી રહ્યા હતા એવામાં પ્રાંત અધિકારી લાંબી રજા પર ચાલ્યા જતાં લોકોના કામો પુરા થતા નથી અને અરજદારોને કચેરીના ધક્કા જ થઇ રહ્યા છે. આથી તંત્ર કશી વ્યવસ્થા કરે તે ઇચ્છનીય છે.

અન્ય સમાચારો પણ છે...