આપઘાત પહેલા મિત્રને વીડિયો કોલ કર્યો:ગોંડલના વેરી તળાવમાં સાંઢવાયા ગામના યુવકે ઝંપલાવ્યું; આત્મહત્યા પાછળનું કારણ અકબંધ

ગોંડલ15 દિવસ પહેલા

રોજબરોજ આપઘાતના બનાવો સામે આવતા હોય છે, ત્યારે ગોંડલમાં એક ઘટના સામે આવી છે. જેમાં એક યુવકે પોતાના મિત્રને વીડિયો કોલ કરી હાથમાં બ્લેડ વડે ચેકા માર્યા બાદ તળાવમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું હતું. આ બનાવ મામલે ગોંડલ શહેર પોલીસે મૃતદેહને પી.એમ.અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકની ફાઈલ તસવીર
મૃતકની ફાઈલ તસવીર

મિત્રને વીડિયો કોલ કરી હાથમાં ચેકા માર્યા
પ્રાપ્ત થતી માહિતી મુજબ ગોંડલના વેરી તળાવમાં કોટડાસાંગાણી તાલુકાના સાંઢવાયા ગામના યુવક રાજવીરસિંહ બળવંતસિંહ રાયજાદા (ઉં.વ.22) રહે.સાંઢવાયા વાળાએ પોતાના મિત્રને વીડિયો કોલ કર્યો અને જમણા હાથના કાંડામાં બ્લેડથી ચેકા માર્યા બાદ યુવાન વેરી તળાવમાં કુદકો માર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ નગરપાલિકા ફાયર ટીમને થતાં ઘટનાસ્થળે પહોંચીને તરવૈયાઓએ પાણીમાંથી 4 કલાકની જહેમત બાદ મૃતકના મૃતદેહને બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં પી.એમ.અર્થે ખસેડવામાં આવ્યો હતો. આત્મહત્યા પાછળનુ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. સમગ્ર બનાવને લઈને ગોંડલ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

યુવકના મોતથી પરિવારમાં શોક
વેરી તળાવમાં અનેક આત્મહત્યાના બનાવ બને છે. વેરી તળાવ નજીક CCTV અને સિક્યુરિટી રાખવામાં આવે તો અનેક આત્મહત્યા બનાવો બનતા અટકી શકે તેમ છે. મૃતક યુવાનનાં પરિવારમાં માતા-પિતા અને નાનો ભાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...