ગોંડલના જામવાડી ગામ પાસે ટ્રકે બાઇકને ઉલાળતા બાઇક સ્વાર યુવાનનું મોત નિપજ્યું હતું. ગોંડલ પાસે નેશનલ હાઇવે ફોર લેન છે અને તેમ છતા ટ્રાફિક પોલીસ ઓવરસ્પીડથી પસાર થતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં નિષ્ફળ જતાં અહીં છાશવારે અકસ્માતોનો સિલસિલો ચાલુ રહે છે અને નિર્દોષ માનવ જિંદગી તેમાં હોમાતી રહે છે. આજે વધુ એક બનાવ બન્યો હતો અને તેમાં એક યુવાનનો ભોગ લેવાઇ ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ જામવાડી ગામે રહેતા અને મજૂરી કામ કરતા ચીમનભાઇ ડાયાભાઇ પરમાર (ઉ,૪૨) પોતાના બાઇક નં. જીજે૦૩એજી ૫૩૯૭ ઉપર જામવાડી ગામે આવેલ નેશનલ હાઇવે રોડ ક્રોસ કરતા હતા ત્યારે ગોંડલ તરફથી આવતા ટ્રક નં. જીજે૦૯ વાય-૯૬૨૭ના ચાલકે હડફેટે લેતા ચીમનભાઇને ગંભીર ઇજા થતા પ્રથમ ગોંડલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતક ચીમનભાઇને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે પિતાની છત્રછાયા ગુમાવતા શ્રમિક પરિવારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. બનાવ અંગે મૃતકના ભત્રીજા વિજયભાઇ એ ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા તાલુકાના પીએસઆઇ ડી.પી.ઝાલાએ તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.