ગોંડલ હરભોલે સોસાયટીનો યુવાન છેલ્લા 8 માસથી સાથે રહેતી પરિણીત પ્રેમિકાને માથાના ભાગે ધોકો ફટકારી લોહી લુહાણ કરી હતી. ત્યારબાદ સીડીના પગથીએથી લપસી પડી હોવાની વાતો ઘડી હતી. પ્રેમિકાને સારવાર માટે દવાખાને લઈ ગયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. પીએમ રિપોર્ટમાં ભાંડો ફૂટતા ગોંડલ શહેર પોલીસના PI એમ.આર. સંગાળાની ટીમે ગણતરીની કલાકમાં પ્રેમી ભાવેશની ધરપકડ કરી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પગથિયેથી લપસી પડી હોવાનું પ્રેમીનું રટણ
ગોંડલ ભગવતપરામાં હરભોલે સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા અને મજૂરી કામ કરતા ભાવેશ બાબુ જોગરાણીયા છેલ્લા 8 માસથી તેનું ઘર માંડીને સાથે રહેતી હતી. પરિણીત પ્રેમીકા સોનલ રમેશ પલાળીયા સાથે રસોઈ બનાવવા બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં ભાવેશે ઉશ્કેરાઈને યુવતીના માથામાં લાકડાનાં ઘોકાનો ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી.
પીએમ રિપોર્ટમાં હત્યાનો ભાંડો ફૂટ્યો
સારવાર દરમિયાન ભાવેશે પોલીસને ગુમરાહ કરી હતી કે, સોનલ સાંઢીયા પુલ પાસે અમારા મકાનની સીડીના પગથિયેથી લપસી પડી હતી, એવું સતત રટણ કરતો હતો. પોલીસને આ બાબત શંકાસ્પદ જણાતા સોનલનું પીએમ કરવામાં આવ્યું હતું. જ્યાં રિપોર્ટમાં મહિલાના મૃતદેહમાં અન્ય કોઈ જગ્યાએ ઈજાનાં નિશાન ન જણાતા હત્યાનો ભાંડો ફૂટ્યો હતો. ત્યારબાદ ભાવેશે હત્યા કરી હોવાનું કબુલ્યું હતું.
ગણતરીની કલાકમાં આરોપીને પકડી પાડ્યો
ગોંડલ સીટી પોલીસના પીઆઈ મહેશ સંગાડા અને તેની ટિમ દ્વારા હત્યારા યુવકને ગણતરીની કલાકોમાં હરભોલે સોસાયટીમાં બનાવ સ્થળેથી જ ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ 302 જીપીએસ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.