સ્ત્રીને શક્તિ તરીકે અમસ્તી જ પૂજવામાં નથી આવતી. તેમનામાં રહેલી અપાર અને અદ્રશ્ય તાકત અને હિંમત આસમાને આંબે તેવી સિધ્ધિ હાંસલ કરવામાં મદદરૂપ થાય. કેન્સર જેવી ગંભીર બીમારીનો હિંમતથી સામનો કરી કેન્સર ભગાડી દઇ,અમૂલ્ય એવી જિંદગીને અપાર પ્રેમ કરી એ જિંદગીનો ઉપયોગ અન્ય મહિલાઓને મદદરૂપ થવામાં, તેમની જિંદગીને વધુ આસાન અને પરિવારને ઉપયોગી બનાવવામાં અને મહિલાઓને પગભર બનાવવામાં એક મહિલાએ જીવન સમર્પિત કરી દીધું છે અને તે છે કુવાડવાના મહિલા આગેવાન દેવિકાબેન કાળુભાઇ મહેતા. જેમણે એક મહિલા મંડળ શરૂ કરી એક હજાર મહિલાને રોજગારી પૂરી પાડવાના લક્ષ્ય સાથે જંગ છેડ્યો છે.
મહિલાને રોજગારી પૂરી પાડવાના લક્ષ્ય
કુવાડવામાં દેવીશક્તિ મહિલા મંડળ દ્વારા એક હજાર મહિલાઓને રોજગારી પુરી પાડવાના લક્ષ્ય સાથે ખાસ અભિયાન શરુ થયું છે. મહિલા મંડળનાં પ્રમુખ અને કુવાડવાના મહિલા આગેવાન દેવીકાબેન કાળુભાઈ મહેતાના રોજગાર લક્ષી માર્ગદર્શન હેઠળ બહેનોએ કચ્છી કારેલાની આઇટમને પેકિંગમાં રજૂ કરી અને રાજકોટના શોપિંગ મોલ સુધી પહોંચતી કરી રોજગારના દ્વાર ખોલ્યા છે. ઘરે બેઠા મહિલાઓ અલગ અલગ નમકીન તથા વાનગીઓ બનાવી બજારમાં તેનુ માર્કેટિંગ ઉભુ કરે, રોજગારી મેળવે તે માટે ફુડ લાયસન્સથી લઈ જરૂરી મદદ દેવિકાબેન કરી રહ્યા છે.
બહેનો પગભર બની પરિવારનો સહારો બને તેવા ધ્યેય
આગામી સમયમાં શિવણ,બ્યુટીપાર્લર સહિત હુન્નર સાથે જરૂરીયાતમંદ બહેનો પગભર બની પરિવારનો સહારો બને તેવા ધ્યેય સાથે એક હજાર બહેનો સુધી સેવા પહોંચતી કરવાનું લક્ષ્ય દેવીકાબેન મહેતાએ નક્કી કર્યુ છે.પોતાના આત્મબળ અને તીવ્ર જીજીવિષાથી તાજેતરમાં જ દેવીકાબેને કેન્સર જેવી જટીલ બીમારીને મહાત કરી છે. સેવા સમર્પણ ના વિચારો સાથે દેવિકાબેન મહિલાઓ માટે કુવાડવા ગામમા એક અનોખુ અભિયાન ચલાવી રહ્યા છે જેની ચોમેર સરાહના થઇ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.