'પિયરનો પ્રેમોત્સવ, સખીઓનો સ્નેહોત્સવ':ગોંડલના ગોમટા ગામે દીકરીઓ દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરાયું; બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા

ગોંડલ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ તાલુકાના ગોમટા ગામે માવતર ધરાવતી અને છેલ્લા ઘણા વર્ષોથી સાસરીયે ગયેલી 350થી પણ વધારે દીકરીઓ દ્વારા ગોમટા ગામે એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમને દીકરીઓ દ્વારા પિયરનો પ્રેમોત્સવ, સખીઓનો સ્નેહોત્સવ નામ અપાયું હતું. આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક, મનોરંજન, ભોજન સમારંભ સાથે શિક્ષક શિક્ષિકાઓ, ગામના શ્રેષ્ઠિઓના સન્માન પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું આયોજન માત્રને માત્ર સાસરે ગયેલી દીકરીઓ દ્વારા જ કરાયું હતું. બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

'પિયરનો પ્રેમોત્સવ, સખીઓનો સ્નેહોત્સવ'
ગોમટા ગામે માવતર ધરાવતી 25થી 70 વર્ષ સુધીની 350થી પણ વધારે દીકરીઓ રવિવારે કડવા પટેલ સમાજ ખાતે એકઠી થઈ હતી અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી તાલુકા શાળા કન્યાશાળા અને હાઈસ્કૂલના નિવૃત્ત શિક્ષકોને આમંત્રિત કરી સન્માનિત કર્યા હતા. આ તકે ગોંડલના મહિલા ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાને પણ આમંત્રણ આપી તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સાથ સાથ ગામના અને સમાજના શ્રેષ્ઠિઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા રેખાબેન મારવાણીયા, ભારતીબેન કાથરોટીયા, હીનાબેન ભાલોડી, સોનલબેન મકાતી અને સોનલબેન ભૂત સહિત 25થી પણ વધારે દીકરીઓએ જહેમત ઉઠાવી હતી. દિવસ દરમિયાન ચાલેલા આ કાર્યક્રમમાં સવારે તમામ દીકરીઓ દ્વારા પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે યુએસએથી ભારતીબેન ધુડિયા પણ ખાસ આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...