કાર્યવાહી:ગોંડલના બેટાવડની સીમમાં વોંકળા કાંઠે ધમધમતી’તી દેશી દારૂની મિનિ ફેક્ટરી

ગોંડલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં બે ઝડપાયા, મુખ્ય આરોપી સહિત ત્રણ ફરાર
  • દારૂ બનાવવા માટેની કાચી સામગ્રી સહિત 1.08 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો

ગોંડલ તાલુકા પોલીસને ઊંઘતી રાખીને તાલુકાનાં બેટાવડ ગામની સીમમાં વોકળાનાં કાંઠે ચાલી રહેલી દેશી દારૂની મીની ફેક્ટરી પર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દરોડો પાડીને દેશી દારૂ તથા કાચી સામગ્રી સહીત રૂ.1,08,855/- નો મુદામાલ કબ્જે કર્યો હતો. દારૂબંધી છતાં દેશી અને વિદેશી દારૂને વેચાતો રોકવામાં સ્થાનિક પોલીસ નાકામ થઇ છે અને તેની સાબીતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આપી હતી.

આ બનાવની મળતી માહિતી અનુસાર ગોંડલ તાલુકાના બેટાવડની સીમમાં વોંકળા કાંઠે ધમધમતી દેશી દારૂની ફેક્ટરી પર સ્થાનિક પોલીસને ઉંઘતી રાખીને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો અને મીની ફેક્ટરીનું સંચાલન કરનાર બે આરોપી દિલીપ ગભરુભાઈ ખાચર અને રણજીત નાગરભાઈ ઓગનિયાને ઝડપી તાલુકા પોલીસને સોંપાયા હતા, જયારે ભઠ્ઠી ચલાવનાર 3 આરોપી ફરાર થઈ ગયા હતા તેમજ આ દેશી દારૂની મીની ફેક્ટરીનાં મુખ્ય સૂત્રધાર બેટાવડ ગામના લિસ્ટેડ આરોપી કરણસિંહ સુખુભા જાડેજા તથા અનકુભાઈ વલકુભાઈ ખાચર(રહે.ખાટડી, તા. ચોટીલા)ને ફરાર જાહેર કરાયા હતા.

વધુ તપાસ તાલુકા પોલીસ ચલાવી રહી છે. વોંકળાના કાંઠે ચાલતી આ ફેક્ટરી અંગે તાલુકા પોલીસને કેમ કશી જાણ ન થઇ કે દરોડા સહિતની કાર્યવાહી કેમ ન કરાઇ તેવા સવાલો લોકોમાંથી ઉઠી રહ્યા છે. દેશી દારૂના વેપલાથી સ્થાનિક પોલીસ અજાણ હોય તેમ માની લેવાને તો કોઇ કારણ નથી જ !

અન્ય સમાચારો પણ છે...