આપઘાત:પોતાના યુઝર આઇડીથી ઉચાપત થયાની વીડિયોમાં કબૂલાત કરી પોસ્ટ કર્મચારીએ આપઘાત કરી લીધો

ગોંડલ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉચ્ચકક્ષાએથી તપાસ માટે અધિકારીઓ આવે તે પહેલાં બીકના માર્યા પગલું ભરી લીધું
  • લોધિકા તાલુકાના નવી મેંગણી ગામના કર્મચારીએ ઝેરી દવા ગટગટાવી લીધી

ગોંડલની પટેલ કોલોનીમાં રહેતા અને લોધિકાની પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીએ પોતાના યુઝર આઇડીમાંથી પોસ્ટ ખાતાની જંગી રકમની ઉચાપત થઇ હોવાની વાતની કબુલાત વીડિયોમાં કરી,બાદમાં ઓફિસમાં જ ઝેરી દવા ગટગટાવીને મોત માગી લીધું હતું. જો કે કર્મચારીએ દવા પીધાની જાણ સહકર્મીને થતાં તેમના પુત્રને તાબડતોબ જાણ કરી હતી અને તરત જ તેમને ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવારમાં તેમનું મોત નીપજ્યું હતું.

જો કે તેમણે પોસ્ટની જંગી રકમની ઉચાપતની વાત વીડિયોમાં કેદ કરી એ મુદો શહેર અને પંથકમાં જોરદાર ચર્ચાનો વિષય બન્યો છે. સુત્રોમાંથી એવી પણ વિગત જાણવા મળી હતી કે રાજકોટથી ચેકિંગ આવી રહ્યું હોવાની વાતથી ડરીને તેમણે આ અંતિમ પગલું ભરી લીધું હોઇ શકે.

જો કે વધુ વિગત તો પોલીસ તપાસમાં ખુલશે. ગોંડલની પટેલ કોલોનીમાં રહેતા પરસોત્તમભાઈ અરજણભાઈ ભાલાળા ઉર્ફે પીયુષભાઈ ભાલાળા લોધિકા તાલુકાની મોટી મેંગણી ગામે પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા હતા, સોમવારે સવારે 8.30 વાગ્યે પોસ્ટઓફિસમાં જઇને તેમણે પોતાના કબુલાતનામાનું વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું .

અને બાદમાં દવા પી લીધી હતી. આ બાબતની જાણ સહકર્મચારીએ પરસોત્તમ ભાઈના પુત્રને ફોન દ્વારા કરી હતી. જો કે તેમને તરત જ સારવાર અર્થે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન મોત નીપજતાં તેમના મૃતદેહને પી.એમ.અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને આગળની વધુ તપાસ લોધિકા પોલીસે હાથ ધરી હતી.

વીડિયોમાં તેમણે કરેલી કબૂલાત અક્ષરશ:
હું પરસોત્તમ અરજળ ભાલાળા ઉર્ફે પિયુષ મારું નિવેદન આપું છું કે મારા પોસ્ટ ઓફિસના યુઝર આઇડીથી કોઇ ભૂલ થઇ હોય, વ્યવહાર થયા હોય તો તેના માટે પોસ્ટનો કોઇ કર્મચારી જવાબદાર નથી. એ પૈસા મેં જ મારી રીતે વાપર્યા છે. ગરીબોને દીઘાં, ગાયો માટે પાંજરાપોળમાં, બાલાશ્રમમાં, વૃધ્ધાશ્રમમાં વાપર્યાં છે.

એક પણ રૂપિયો હું ઘરે લઇ ગયો નથી. મારો નિરવ... મારા ભાયુની કૃપાથી મને વધુ જમીન ભાયુભાગની મળી તેને વેચીને મેં નિરવને ધંધા માટે પૈસા દીધા છે. મારી પુત્રવધૂએ દાગીના વેચીને નિરવને આપ્યા છે. મારી પત્ની પોસ્ટ ઓફિસમાં નોકરી કરતી અને રિટાયર થયા પછી તેણે એક એક રૂપિયો નિરવને જ આપ્યો અને મારો દિકરો જે કંઇ ધંધો કરે છે તે મહેનતથી કરે છે.

કુટુંબના સહયોગથી કરે છે. હું પગાર સિવાય એક પણ રૂપિયો ક્યારેય ઘરે લઇ ગયો નથી. મેં રાત દિવસ પોસ્ટની સેવા કરી છે. મેં રાજીનામું આપ્યું પરંતુ તે સ્વીકારવામાં ન આવ્યું. મારા સાળાના ખોટા કામના પૈસા મારે આપવાના હતા એમાં ખોટા ચાર્જશીટ રાખી મારું રાજીનામું અટકાવી દીધું હતું. પોસ્ટ ખાતાએ આ છીંડા શા માટે રાખ્યા? હું તો તેનો ભોગ બન્યો, હજુ અન્ય પોસ્ટ કર્મચારી પણ બનતા રહેશે., મારા પુત્ર સમાન પોસ્ટ કર્મચારીઓ મને માફ કરે.

અન્ય સમાચારો પણ છે...