રાજકીય પક્ષોએ કમર કસી:ગોંડલમાં સૌરાષ્ટ્ર ઝોનના ચૂંટણી ઇન્ચાર્જની અધ્યક્ષતામાં બેઠક, ભાજપમાં ચાલતા જુથવાદને ડામવા ચર્ચા કરાઈ

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભા ચુંટણીને ત્રણ માસ કરતા ઓછો સમય રહ્યો હોવાથી મુખ્ય ત્રણેય રાજકીય પક્ષોએ કમર કસી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રી-પાંખીયો ચુંટણીજંગ યોજાશે. ભાજપે સૈરાષ્ટ્રની બધી સીટો અંકે કરવા તૈયારીઓ આદરી દીધી છે. મંગળવારે ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે સૌરાષ્ટ્ર ઝોનના ચૂંટણી ઇન્ચાર્જની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.

ભાજપમાં ચાલતા જુથવાદ ડામવા ચર્ચા
ગોંડલ માર્કેટ યાર્ડમાં યોજાયેલી મીટીંગમાં કચ્છના સાંસદ અને સૌરાષ્ટ્ર ઝોનના ચુંટણી ઇન્ચાર્જ વિનોદ ચાવડા, શક્તિ કેન્દ્ર પ્રમુખ, સંયોજક અને પ્રભારીઓ હાજર રહ્યા હતાં. સૌરાષ્ટ્રની તમામ બેઠકો પર ભગવો લહેરાવવા અંગે મીટીંગમાં રણનિતિ ઘડવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના પદાધીકારીઓને ચુંટણીના કામે લાગી જવા કહેવામાં આવ્યુ હતું. સૌરાષ્ટ્રમાં કેટલીક સીટો પર ભાજપમાં ચાલતા જુથવાદ ડામવા ચર્ચા થઇ હતી. જુથવાદને બાજુમાં રાખીને કામે લાગી જવા માટે પદાધીકારીઓને હાંકલ કરવામાં આવી હતી.

સૌરાષ્ટ્રની તમામ બેઠકો પર કબજો કરવા કવાયત
ભાજપના પદાધીકારીઓએ સૌરાષ્ટ્રની તમામ બેઠકો પર કમળને વીજય અપાવીને પાર્ટીના 182 સીટના લક્ષાંકને સિધ્ધ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. દરેક પક્ષે ચુંટણીની તૈયારી શરૂ કરતા આગામી દિવસોમાં રાજ્યમાં રાજકીય વાતાવરણ ગરમ થશે. મીટીંગ બાદ પદાધીકારીઓએ ગોંડલ નગરપાલીકા પ્રમુખ ભાવનાબેન પ્રવીણભાઈ રૈયાણીના નિવાસ્થાને ગયા હતાં ત્યા બધા પદાધીકારીઓએ એક સાથે ભોજન લીધુ હતું.

અન્ય સમાચારો પણ છે...