'દેને કો ટુકડા ભલા લેને કો હરિ કા નામ' આ સૂત્રને જીવન મંત્ર બનાવી અને વર્ષોથી 'માનવ સેવા એજ પ્રભુ સેવા'ની જ્યોત પ્રગટાવી સતત પ્રજ્વલિત રાખનાર ગુરૂદેવશ્રી હરિચરણદાસજી મહારાજની પ્રથમ પુણ્યતિથિએ મહા રક્તદાન કેમ્પ, ધ્યાન મંદિરનું અનાવરણ, રામ ચરિત માણસ પાઠ, સંત ભોજન-ભંડારા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને રામ નવમીની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે.
આવતીકાલે સમૂહ પાઠ, ધ્યાન, અનાવરણ, પાદુકા પૂજન
મહામંડલેશ્વર 1008 શ્રી હરિચરણદાસજી મહારાજના સાકેતવાસ ફાગણ વદ 11ને એક વર્ષ પૂર્ણ થતા આગામી તા. 18 માર્ચના રોજ તેમની પુણ્યતિથિ નિમિતે તા. 17ના રોજ સવારે 7 વાગ્યાથી શ્રી રામ ચરિત માનસજીના અખંડ સમૂહ પાઠ તા. 18ના સવારે 7 વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ રામ અર્ચના પૂજન સવારે 10 કલાકે ગુરૂદેવશ્રી હરિચરણદાસજી મહારાજના ધ્યાન મંદિરનું અનાવરણ અને પાદુકા પૂજન ગોંડલના યુવરાજ કુમારસાહેબશ્રી જ્યોતિર્મયસિંહજી ઓફ ગોંડલ (હવા મહેલ) દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ સવારે 9થી 5 મહા રક્તદાન કેમ્પ શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ ખાતે યોજાશે.
બાપુ દ્વારા ભાવભર્યું આમંત્રણ
આ તકે વીરપુર જલારામ મંદિરના ગાદીપતિ પ.પૂ. રઘુરામબાપા, પ.પૂ. રાઘવાચાર્યજી મહારાજ (રેવાસા પીઠાધીશ), પ.પૂ. શ્રી ડો. રામેશ્વેરદાસજી મહારાજ (ઋષિકેશ) પ.પૂ. ઘનશ્યામજી મહારાજ (ભુવનેશ્વરી પીઠ, ગોંડલ) પણ ઉપસ્થિત રહેશે. જેમાં સાધુ સંતો, બ્રહ્મ ભોજન અને સમવિષ્ટ ભંડારો યોજાશે. જેમાં મોટી સંખ્યામાં ગુરુભાઈઓ બહેનો ઉપસ્થિત રહેવા રામજી મંદિરના મહંતશ્રી જયરામદાસજી બાપુ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. શ્રી હરિચરણદાસજી મહારાજનો 101મોં પ્રાગટ્ય દિવસ ધામધૂમ પૂર્વક ઉજવાશે. 10 દિવસીય રામનવમી કાર્યક્રમની ભવ્યાતિ ભવ્ય તૈયારીને લઈ ગુરુભાઈઓમાં અનેરો થનગનાટ છે.
દરરોજ હજારો ભક્તો સાધુ સંતો પ્રસાદ લેશે
સદગુરુદેવ ભગવાન રણછોડદાસજી મહારાજની પ્રેરણા અને ગુરૂદેવશ્રી પૂ.હરિચરણદાસજી મહારાજ અનન્ય આશીર્વાદથી પરમ પૂજ્ય મહંત શ્રી જયરામદાસજી મહારાજની અધ્યક્ષતામાં અત્રેના સુપ્રસિદ્ધ રામજી મંદિર ગોંડલ ખાતે રામનવમી કાર્યક્રમ ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં તા. 22 માર્ચને બુધવારે ચૈત્ર સુદ 1થી કળશ સ્થાપના, શ્રી રામ ચરિત માનસજીના પાઠ, રામજન્મોત્સવ, શ્રી રામ વિવાહ ચૈત્ર સુદ 6ને 27મી માર્ચે પ્રાતઃ સ્મરણીય ગુરુદેવશ્રી હરિચરણદાસજી મહારાજનો 101મી જન્મજયંતિ રંગે ચંગે ઉજવણી કરવામાં આવશે. 30મી માર્ચે શ્રી રામયજ્ઞ અને રામજન્મોત્સવ 3 એપ્રિલે સદગુરુદેવ ભગવાનશ્રી રણછોડદાસજી મહારાજ પુણ્યતિથિ નિમિત્તે સમવિષ્ટ ભંડારો તેમજ 6 એપ્રિલે હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.
આ તકે સંત-મહંત, મહાનુભાવો, સમાજ શ્રેષ્ટિઓ, ગુરુભાઈ બહેનોએ આ અમૂલ્ય અવસરમાં મોટી સંખ્યામાં લાભ લેવા પરમ પૂજ્ય મહંત શ્રી જયરામદાસજી મહારાજ અને રામજીમંદિર પરિવાર તરફથી ભાવભર્યું આમંત્રણ પાઠવેલું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.