તકલીફને બનાવી તાકાત:સરકારી શાળાના વિદ્યાર્થીએ લેમ્પના અજવાળે અભ્યાસ કરી CA બનવાનું સ્વપ્ન સાકાર કર્યું

ગોંડલ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોંડલના યુવાને કપરા સમયનો કારકિર્દી બનાવવામાં ઉપયોગ કર્યો

મન હોય તો માળવે જરૂર પહોંચાય જ. કુટુંબની નબળી આર્થિક પરિસ્થિતિની સતત ફરિયાદ કરીને બેસી રહેવાને બદલે તકલીફને જ તાકાત બનાવી ગોંડલના યુવાને સરકારી શાળામાં અભ્યાસ કર્યો, જે તે સમયે પિતાને મમરાની કોથળી પેક કરવામાં મદદ કરી અને પાર્ટ ટાઇમ નોકરી પણ કરી અને શેરીમાં લેમ્પના અજવાળે અભ્યાસ કરી સીએ બનવાનું સ્વપ્ન સાકાર કરી હાલમાં મુંબઇને કર્મભુમિ બનાવી છે.

ગોંડલના રહેવાસી શ્યામ ખીમાણીના પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હતી. એના પિતા મમરાની કોથળીઓ પેક કરવાનું કામ કરીને માંડ માંડ પરિવારનું પૂરું કરતા હતા. રહેવા માટે એક રૂમ રસોડાનું નળીયા વાળું મકાન હતું, એ પણ ભાડાનું અને 70-80 વર્ષ જૂનું ખખડધજ. શ્યામ ભણવામાં હોશિયાર પણ પરિવારની પરિસ્થિતિને લીધે સરકારી શાળામાં અભ્યાસ કરતો હતો. ભણવાની સાથે સાથે મમરાની કોથળી પેક કરવામાં પપ્પાને મદદ પણ કરવાની.

જ્યારે શ્યામ 12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો ત્યારે સવારે 10 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી ગોંડલની એક બુટ-ચપ્પલની દુકાનમાં નોકરી કરતો હતો. બોર્ડનું મહત્વનું વર્ષ હતું અને ભણી-ગણીને આગળ વધવાની તમન્ના હતી એટલે આ છોકરો સવારે 7 થી 10 ટ્યુશનમાં જાય. ટ્યુશનમાંથી સીધો નોકરી પર જાય અને રાત્રે 9 વાગ્યે ઘરે આવે.સવારના 7 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધીની મહેનત પછી કોઈપણ માણસ થાકી જાય પણ શ્યામનું વાંચન રાત્રે 9 વાગ્યા બાદ જમીને શરૂ થાય.

ઘર તો એક જ રૂમનું હતું એટલે જો ઘરમાં બેસીને વાંચે તો મમ્મી-પપ્પાની ઉંઘ બગડે એટલે ઘરની બહાર ઓટલા પર બેસીને વાંચે. બહાર શેરીમાં ઓટલા ઉપર એક લેમ્પ લટકાવી દીધેલો એ લેમ્પના અજવાળે મોડી રાત સુધી વાંચે.મુશ્કેલ પરિસ્થિતિની ફરિયાદ કરવામાં સમય વેડફવાને બદલે એ સમય કારકિર્દી ઘડતર માટે ઉપયોગમાં લીધો. બોર્ડની પરીક્ષાને થોડા મહિના બાકી હતા ત્યારે મોટાભાઈને કામ મળી ગયું એટલે હવે પૂરો સમય અભ્યામ માટે આપી શકે એવી પરિસ્થિતિ નિર્માણ પામી.

12માં ધોરણમાં ખૂબ સારા ટકા મેળવ્યા બાદ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માટે કમર કસી. રાત-દિવસની અથાક મહેનતથી શ્યામે સી.એ.ની તમામ પરીક્ષાઓ પ્રથમ પ્રયાસમાં જ પાસ કરી લીધી અને સી.એ. બની ગયો. અભ્યાસ દરમ્યાન મેળવેલા ઊંડાણપૂર્વકના જ્ઞાનને લીધે શ્યામ મુંબઈમાં સીએ તરીકે ખૂબ સારી કમાણી કરતો થઈ ગયો છે.હજુ તો 25 વર્ષ પણ પુરા નથી થયા ત્યાં આ છોકરાએ બાવડાના બળે ગાડી પણ ખરીદી લીધી. જે એક સમયે બુટ-ચપ્પલની દુકાનમાં કામ કરતો અને શેરીમાં બેસીને વાંચતો એ શ્યામ ખીમાણી પુરુષાર્થના પરિણામે આજે કારમાં ફરતો થઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...