ગોંડલમાં ભોજરાજપરામાં રહેતા યુવાનનો મિત્ર ક્રિકેટના સટ્ટામાં હારી ગયો હતો. જેમાં બે શખ્સોએ યુવાનનું અપહરણ કરી વાડીએ લઈ જઈ કોરા ચેકમાં સહી કરાવી પડાવી લઈ હોકી વડે માર માર્યાની ફરિયાદ સીટી પોલીસમાં થતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ભોજરાજપરામાં રહેતા અને રાજકોટ મારવાડી શેરબજારની ઓફીસમા ડીલર તરીકે નોકરી કરતા રાજન મોવલીયાએ મયુરસિહ ઝાલા તથા અજાણ્યા શખ્સ સામે પોતાનું અપહરણ કરી માર મારી કોરો ચેક પડાવી લેવા અંગે પોલીસમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ પોતાના મિત્ર રોબીન માદરીયાએ મયુરસિહ ઝાલાનો ફોન નંબર માંગતા આપ્યો હતો. આ અંગે મયુરસિહને વાત પણ કરી હતી. દરમ્યાન રોબીને મયુરસિહ પાસેથી ક્રિકેટનું આઇડી મેળવી ક્રિકેટ સટ્ટામાં 50 હજાર હારી જતાં બાદમાં મોબાઇલ બંધ કરી ગોંડલ બહાર જતો રહ્યો હતો. મયુરસિહે રાજનને ફોન કરી કહેલ કે તારો મિત્ર ક્રિકેટના સટ્ટામાં પચાસ હજાર હારી ગયેલો છે તે તારે આપવા પડશે. રાજને પૈસા આપવાની ના પાડતા મયુરસિંહે અપશબ્દો બોલી ધમકી આપી હતી.
રાજનનું અપહરણ કરી માર મારવામાં આવ્યો
રાજન વછેરાના વાડાથી બસસ્ટેન્ડ તરફ જઈ રહ્યો હતો. ત્યારે સફેદ કલરની એન્ડોવર કારમાં ઘસી આવેલા મયુરસિહ તથા અજાણ્યા શખ્સે અપહરણ કરી લુણીવાવ વાડીએ લઈ જઈ માર માર્યા હતો. રાજનના ખિસ્સામાં રહેલા ચેક પડાવી લઈ સહી કરાવી લીધી હતી. વધુમાં આમા મયુરસિહનો કોઈ વાંક નથી ભુલ મારી છે. તેવુ બોલાવી વીડિયો શુટિંગ કર્યું હતું. ત્યારબાદ આખા ઘરને મારી નાખવાની ધમકી આપી મોડી સાંજે વછેરાના વાડા પાસે રાજનને ઉતારી ચાલ્યા ગયા હતા. બનાવ અંગે રાજન મોવલીયાએ સીટી પોલીસમાં મયુરસિહ ઝાલા તથા અજાણ્યા શખ્સ સામે ફરિયાદ કરતા પોલીસે કલમ 384, 365, 323, 504 506(2) 114, જીપીએ 135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.