ગોંડલમાં બીએપીએસ વિદ્યામંદિર (કન્યા શાળા)માં ધો.10 બોર્ડની પરીક્ષામાં મોબાઈલ ફોન લઈ પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીને સુપરવાઈઝરે સીસીટીવીના માધ્યમથી ઝડપી પાડ્યો. મોબાઈલ ફોન કબ્જે કરી ગુનો દાખલ કરાયો છે.
વિદ્યાર્થી પાસેથી એક આઈફોન મોબાઈલ મળી આવ્યો
ફરિયાદ નોંધાવનાર ક્રિપાલસિંહ રાયજાદા (પરીક્ષા સ્થળ સંચાલક) એ ફરિયાદમાં જણાવ્યું છે કે, હું ગોંડલ બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિર (કન્યા શાળા) ખાતે બોર્ડની પરીક્ષામાં સ્થળ સંચાલક તરીકે મારી ફરજમાં હતો. ધોરણ-10માં ગણિત બેઝીક વિષયનું પેપર હતું અને જેમાં એક પરીક્ષાર્થીએ પરીક્ષા ખંડની અંદર મોબાઇલ ફોન છુપાવીને પ્રવેશ કરેલો. જે શાળાના પરીક્ષા ખંડના સી.સી.ટી.વી. કેમેરાના માધ્યમથી સુપરવાઇઝર રાજેશ સોલંકીએ જોઇ જતા આ બાબતે મને સ્થળ સંચાલકને જાણ કરી હતી. મેં તથા પરીક્ષા બોર્ડ તરફથી આવેલા રૂટ સુપરવાઇઝર સાથે તપાસ કરતા વિદ્યાર્થી પાસેથી એક આઈફોન મોબાઈલ મળી આવ્યો હતો.
વિદ્યાર્થી પર જાહેરનામા ભંગ વિરુદ્ધનો ગુનો નોંધાયો
પરીક્ષાર્થીએ પરીક્ષા કેન્દ્રમાં મોબાઇલ ફોન સાથે પ્રવેશ કરવા બાબતે પૂછપરછ કરતા કોઈ કારણ જણાવ્યું ન હતું, તેમજ તેણે કોઇ સત્તાવાળાઓ પાસેથી પરવાનગી મેળવેલ ન હતી. જેથી પરીક્ષા ખંડમાં પરીક્ષામાં ગેરરીતિ કરવાના ઇરાદાથી અંદર મોબાઇલ ફોન છુપાવીને પ્રવેશ કરેલો. જે શાળાના પરીક્ષા ખંડના સી.સી.ટી.વી. કેમેરાના માધ્યમથી ઝડપાઇ જતા વિદ્યાર્થી સામે જાહેરનામા ભંગની IPC 188 મુજબની ફરિયાદ ગોંડલ સિટી પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.