'2015માં ફેશન રાજદ્રોહની હતી, હવે ગુજસીટોકની':ભાજપનેતા વરુણ પટેલે સરકાર સામે મોરચો માંડયો, કહ્યું; 'પાર્ટીને બાજુમાં મૂકી ખભેખભો મિલાવી જોડે ઊભો રહીશ'

ગોંડલ19 દિવસ પહેલા
ભાજપ-પ્રવક્તા વરુણ પટેલ.

ગોંડલમાં યુદ્ધ એ જ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કડવા પાટીદાર સેવા સમાજની વાડીમાં જાહેર જીવન દરમિયાન સેવાકીય પ્રવૃત્તિઓ કરનારા શ્રેષ્ઠીઓ તથા સામાજિક સંસ્થાઓનું સન્માન કરાયું હતું, જેમાં ભાજપના પાટીદાર નેતા વરુણ પટેલે સરકાર સામે તીખા તેવરે કહ્યું હતું કે હાલ ગોંડલ સહિત સમગ્ર રાજ્યમાં ગુજસીટોક કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે. ત્યારે હું સમાજને વિનંતી કરું છું કે આની સામે જે કરવું પડે એ બધું કરવું જોઈએ. આ લડતમાં એક પાટીદાર સમાજના દીકરા તરીકે મારી રાજનીતિ, મારી પાર્ટીને બાજુમાં મૂકીને કહું છું, જે કરશો એમાં જેમ કહેશો એમ ખંભેખંભો મિલાવીને તમારી જોડે ઊભો રહીશ. આ કાર્યકમમાં ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશભાઇ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

'અમારે ફરીથી 2015 જેવું 2022માં નથી કરવું'
ભાજપ-પ્રવક્તા વરુણ પટેલે ગોંડલ ખાતે યુદ્ધ એ જ કલ્યાણ ટ્રસ્ટના કાર્યક્રમાં સરકાર પર જ પ્રહાર કરતાં કહ્યું હતું કે 2015-16માં જેમ ફેશન રાજદ્રોહની આવી હતી એમ છેલ્લાં બે વર્ષમાં ફેશન ગુજસીટોકની આવી છે. ભારતીય જનતા પાર્ટીનો એક જવાબદાર સિપાહી, સમાજનો એક જવાબદાર યુવાન અને ગંભીરતાપૂર્વક યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપે જે મને મોકો આપ્યો છે એના દ્વારા તમારા વતી જેને લાગુ પડતા હોય તે તમામને હું કહેવા માગું છું કે હું ગોંડલમાં 150 વ્યક્તિને ઓળખું છું, જેની પર ગુજસીટોક થવી જોઈએ, પણ એની પર થઈ નથી. માત્ર ટાર્ગેટ કરી એક જ વ્યક્તિને એક જ સમાજને કોઈ સમાજનો યુવાન બાહુબલી બની ગયો છે, મર્દ બની ગયો છે, એને કંટ્રોલ કરવા માટે જો આવી રીતે તમે કલમોનો દુરુપયોગ કરશો તો 2015 તમે બધાએ જોયેલી છે. ફરીથી 2022માં અમારે એ નથી કરવું, એ કરવા તમે મજબૂર ના કરશો.

150 વ્યક્તિ પર ગુજસીટોક લાગવી જોઈ: વરુણ પટેલ
અલ્પેશભાઈ, દિનેશભાઇ આપ બધા આ લડત માટે મારી સાથે છો. આ રીતે ગુજસીટોક કાયદાનો દુરુપયોગ માત્ર ગોંડલમાં થઈ રહ્યો હોય એવું નથી, આની આ વસ્તુ જામનગરમાં થઈ છે. જામનગરમાં પાસનો કન્વીનર અતુલ ભંડેરી ગુજસીટોકમાં અંદર છે. હું જામનગરમાં 150 વ્યક્તિને ઓળખું છું. તમે કહો ત્યારે લિસ્ટ આપું કે તેમની પર ગુજસીટોક લાગવી જોઈ, પરંતુ તેમની પર લાગતી નથી. જ્યારે ટાર્ગેટ કરીને કોઈપણ સમાજના યુવાનો પર ગુજસીટોક લાગવી ના જોઈએ અને જો લાગેલી હોઈ તો વહેલામાં વહેલી તકે હટાવી જોઈએ એવું આહવાન કર્યું હતું.

'આ લડતમાં જે કરવું પડે એ કરવા તૈયાર'
જો આ કલમો તેમના પરથી હટાવવામાં નહીં આવે તો યુદ્ધ એ જ કલ્યાણના મિત્રોને વિનંતી કરું છું કે તેની સામેની લડતમાં જે કરવું પડે એ બધું કરવું જોઈએ. એક પાટીદાર સમાજના દીકરા તરીકે મારી રાજનીતિ, મારી પાર્ટીને બાજુમાં મૂકીને કહું છું જે કરશો એમાં, જેમ કહેશો એમ ખંભેખંભો મિલાવીને તમારી જોડે ઊભો રહીશ.

અન્ય સમાચારો પણ છે...