ખોડલધામનો આકાશી નજારો ડ્રોનમાં કેદ:દિવાળી પર્વના પાંચ દિવસમાં 8 લાખ ભક્તોએ દર્શન કર્યા; મંદિર પરિસરની આસપાસ તમામ પાર્કિંગ હાઉસફૂલ જોવા મળ્યા

ગોંડલએક મહિનો પહેલા

માં ખોડલનો જ્યાં સાક્ષાત વાસ છે એવા કાગવડ ગામ પાસે આવેલું ખોડલધામ મંદિર ધર્મ સ્થાનની સાથે સાથે સૌરાષ્ટ્રનું પ્રવાસન ધામ પણ બની ગયું છે. એમાંય વેકેશનના દિવસો અને દિવાળી વેકેશનમાં ખોડલધામ મંદિરે દરરોજ લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. ત્યારે દિવાળીના આ પાંચ દિવસમાં 8 લાખ ભક્તોએ દર્શન કર્યા છે, જેનો આકાશી નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો હતો.

આ પાંચ દિવસમાં 8 લાખ ભક્તોએ દર્શન કર્યા
દિવાળીના પર્વને લઈને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા દિવાળી પર્વમાં દેશ-વિદેશમાંથી લાખો ભક્તો માં ખોડલના દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. નેશનલ હાઇવેથી મંદિર સુધી વાહન વ્યવહાર માટે રોડ વનવે કરવામાં આવ્યો હતો. મંદિરની આસપાસ તમામ પાર્કિંગો હાઉસફુલ જોવા મળ્યા હતા. મંદિરમાં દર્શન માટે લાંબી લાઈનો લાગી હતી. ટ્રસ્ટ તરફથી અશક્ત-વૃદ્ધો માટે વ્હીલચેરની સુવિધા રાખવામાં આવી હતી. મંદિર કેમ્પસમાં અલગ અલગ 2 જગ્યા પર પ્રસાદ ઘર રાખવામાં આવ્યા હતા. દિવાળી પર્વમાં દરરોજ માતાજીને અવનવા વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યા હતા. સાથે જ મંદિર પરિસરમાં અવનવી રંગોળીઓ પૂરવામાં આવી હતી.

મંદિર પરિસરના આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ
ભક્તો માં ખોડલને સુખડી, શ્રીફળ, ચુંદડી સહિતનો પ્રસાદ ધરીને આરાધના કરતા જોવા મળ્યા હતા. ત્યારે ટ્રસ્ટ દ્વારા 50 હજારથી પણ વધુ સુખડીના પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા. ભક્તો માં ખોડલના દર્શનાર્થે આવતા હોય ત્યારે તેમને પાર્કિંગથી લઈને મંદિર સુધી કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે પાર્કિંગ, મંદિર, કેન્ટીન, અન્નપૂર્ણાલય, બગીચા, ગજીબા, શક્તિવન, ચા ઘર, પ્રસાદ ઘર સહિત તમામ જગ્યાએ સ્વયંસેવકોની ટીમ ખડેપગે જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...