નાવીન્ય:‘આઈ લવ માય ગોંડલ’ના સેલ્ફી પોઇન્ટ સહિત 6 કલાકૃતિ નજીકના ભવિષ્યમાં શાન બની શોભશે

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રજવાડી શહેર ગોંડલના મહત્ત્વના ચોક અને અનેક સ્થાનોની શોભા વધારશે અવનવી કૃતિ

કોઇ પણ શહેરની આગવી ઓળખ હોય છે અને તે શહેરના મહત્વના ચોક, સ્થાનો અને સ્થાપત્યોની જાળવણી સાથે સચવાતી હોય છે. આજના અાધુનિક યુગમાં કોઇ પણ શહેરના પ્રવેશદ્વાર પરથી એ શહેરના લોકોનો ટેસ્ટ અને રૂચિનો અંદાજ આવી શકે છે ત્યારે સમયની સાથે તાલ મિલાવીને રજવાડી શહેર એવા ગોંડલના મુખ્ય અને મહત્વના ચોક તેમજ અલગ અલગ સ્પોટ પર 6 કલાકૃતિઓને મૂકવાનું આયોજન છે અને નજીકના ભવિષ્યમાં આવી કૃતિઓ શહેરને નવી જ ઓળખ આપશે.

ગોંડલમાં પ્રવેશતાંની સાથે શહેર સાથે પ્રેમ થઈ જાય એવું રળિયામણું રાજકોટ જિલ્લાનું આ શહેર છે. જેની ઝલક ગોંડલ શહેરના પ્રવેશ દ્વાર પરથી જ લોકો જોઈ શકશે. ગોવા, દીવ, આબુની જેમ હવે ગોંડલ શહેરના જેતપુર રોડ પરના પ્રવેશ દ્વાર પર હવે આઈ લવ માય ગોંડલ લખેલો સેલ્ફી પોઇન્ટ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત મહારાજા સર ભગવતસિંહજી ગાર્ડન ખાતે પણ પોઈન્ટ મુકવામાં આવશે. ગોંડલ શહેરને સાચા દિલથી ચાહનારા લોકો પોતાના શહેર પ્રત્યે પ્રેમ દર્શાવતા સેલ્ફી પોઇન્ટ પર સેલ્ફી લઈ શકશે.

આ ઉપરાંત ગોંડલ શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરતી અન્ય 6 કૃતિ પણ આગામી દિવસોમાં જે તે સ્થાને મૂકાશે. જેમાંની એક કૃતિ અશ્વની મૂકવામાં આવનાર છે. આ કૃતિ રાજકોટ થી ગોંડલ શહેરમાં પ્રવેશતા આશાપુરા ચોકડી પર રાખી છે. અશ્વને બહાદુરીનું પ્રતીક માનવામાં આવે છે, ત્યારે શહેરીજનોની બહાદુરી દર્શાવતી આ કૃતિ આકર્ષક છે. તો બીજી કૃતિ એ શાંતિનું પ્રતીક ગણાતા કબૂતરની મૂકાશે. જે મોવીયા ચોકમાં મુકવામાં આવનાર છે. જ્ઞાનનું પ્રતીક ગણાતી બુકની પ્રતિકૃતિ ગોંડલ પાલિકા નજીક મૂકાશે.

મહાત્મા ગાંધીજીની પ્રતિમા કોલેજ ચોક ખાતે મૂકાશે અને હાલની પ્રતિમા બદલવામાં આવશે. આ ઉપરાંત કોલેજ ચોક ખાતે જૈન સમાજ કૃતિ પોસ્ટ મુકાશે. એસ.આર.પી ગ્રાઉન્ડ નજીક જય જવાન ખાતે અશોક સ્તંભ મુકાશે. ગોંડલ પાલિકા અને જન ભાગીદારીના ખર્ચે આ પ્રતિકૃતિ મૂકાશે.

શહેર પહેલેથી જ મનમોહક શહેર રહ્યું છે ત્યારે હવે પાલિકાના પ્રયત્નોથી શહેરને શોભામાં અભિવૃદ્ધિ થશે. યુવા ભાજપ અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જાડેજા, પ્રમુખ શીતલબેન કોટડીયા, કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન ઋષિરાજસિંહ જાડેજા સહિતના સહયોગથી સુશોભિત અને અનોખી પ્રતિકૃતિઓ આગામી દિવસોમાં ગોંડલ શહેરની શોભામાં અનેરી વૃધ્ધિ કરશે.

અન્ય સમાચારો પણ છે...