તસ્કરી:શિવરાજગઢ અને ગુંદાળામાં બંધ મકાનમાંથી 1.29 લાખની ચોરી

ગોંડલ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોંડલ પંથકમાં તસ્કરોનો તરખાટ: પરિવાર કામે ગયો અને પાછળથી હાથફેરો

ગોંડલ પંથકમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હોય તેમ શિવરાજગઢ અને ગુંદળામાં બંધ મકાનમાં ત્રાટકી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી રૂ.1.29 લાખના મતાની ચોરી કરી નાસી છૂટતાં પોલીસ દોડતી થઈ હતી. એક તરફ વ્યાજખોરો સામે આકરી કાર્યવાહી કરવા માટે પોલીસ ફોર્સને આદેશ કરાયા છે અને તેના પગલે પોલીસ તંત્રએ ટાર્રગેટ પુરા કરવા દોડધામ કરી રહ્યું છે તેનો ભરપુર ફાયદો તસ્કરો ઉઠાવી રહ્યા છે અને ચેલેન્જ આપી રહ્યા છે.

શિવરાજગઢના ભીમજીભાઇ પુંજાભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે, તે છુટક મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને પરીવારમા પત્ની ભાનુબેન અને એક પુત્ર- પુત્રી છે. તેમના પત્ની તથા પુત્રી લોધિકાના માખાવડ ગામે કારખાનામાં કામે ગયા હતાં તેમજ પુત્ર નોકરી પર ગયો હતો અને પોતે પણ કામે ગયા હતાં. જ્યાંથી પરત આવ્યા ત્યારે દરવાજાનો લોક તૂટેલો હતો અને ઘરનો માલસામાન વેરવિખેર પડ્યો હતો. અને કબાટમાં તપાસ કરતાં તેમાં રાખેલ સોનાની વીંટી 3 ,બુટી નંગ 1 મળી કુલ રૂ. 60 હજાર અને થેલીમાં રાખેલારોકડા રૂ.30 હજારની કોઈ અજાણ્યો શખ્સ ચોરી ગયાની ફરિયાદ નોંધાવી હતી.

બીજા બનાવમાં ગુંદાળામાં ફરિયાદી શૈલેષભાઇ ધીરૂભાઇ રંગપરાએ જણાવ્યું હતું કે, તે ખેતમજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમજ પરિવારમાં પત્ની પાયલબેન તથા એક પુત્ર-પુત્રી છે. બધા ખેતરે જવા ઘરે તાળું મારી નીકળ્યા હતા. સાંજના ઘરે પરત ફર્યા તો ઘરની ડેલી ખૂલી નહીં જેથી તેમના પુત્રએ દિવાલ ઠેકી અંદર જઈ દરવાજો ખોલ્યો તો અંદર સામાન વેરવિખેર પડ્યો હતો.

જેમાં કબાટમાં રાખેલી સોનાની બુટી, ચાંદીના સાંકળા ,ચાંદીનો જુડો રૂ.500 તથા રોકડ રૂ.6 હજાર મળી રૂ.39 હજારના મુદ્દામાલની ચોરી થયાનું જણાતાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસ મથકના સ્ટાફે અજાણ્યાં તસ્કરો વિરૂદ્ધ ગુનો નોંધી શોધખોળ આદરી હતી. આસપાસના સીસીટીવી કુટેજ મેળવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...