તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મહિલાને બે શખ્સે કેફી પીણું પીવડાવી દાગીના, રોકડ તફડાવ્યા

ધોરાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામકંડોરણાના જશાપર ગામની મહિલાએ ફરિયાદ કરી
  • જશાપરથી જેતપુર જવા કારમાં લિફ્ટ લીધી અને ગઠિયાનો ભેટો થઇ ગયો

જામકંડોરણાના જશાપરની મહિલ ને કારચાલક સહિત બે શખ્સોએ કેફી પ્રવાહી પીવડાવીને દાગીના અને રોકડ રકમ તફડાવી લીધા હોવાની પોલીસ ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનાનો ભેદ ઉકેલવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જામકંડોરણાના જશાપર ગામે રહેતી પરિણીત મહિલા ચંદ્રિકાબેન મનસુખભાઈ પટેલે પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે હું સાસુ સાથે જશાપર ગામે રહું છું. મારાં પતિ મનસુખભાઈ વલસાડ ખાતે કામ કરે છે.

હું જસાપરથી જેતપુર જવા નીકળી હતી અને વાહનની રાહ જોતી હતી ત્યારે એક કાર મારી પાસે આવીને ઉભી અને તેમણે મને પૂછ્યું કે મારે ક્યાં જવું છે, આથી ધોરાજી જવાનું કહ્યું તો મને કારમાં બેસાડી દીધી અને બાદમાં કારચાલકે રાયડી પાસે કાર ઉભી રાખી અને બીજા શખ્સે સોડા ખરીદી અને મને પણ આપી. મેં પીધી. કાર જેતપુર બાજુ ધોરાજી શાકમાર્કેટ પાસે પહોંચી ત્યાં સુધી મને ખબર હતી, પછી મને હોશ રહ્યા ન હતા અને કારમાં ક્યાં લઇ ગયા એ નથી ખબર.

મને ભાન આવતાં ખ્યાલ આવ્યો કે હું ખાનગી હોસ્પિટલમાં છું અને મારું પાકીટ, મોબાઇલ, સોનાના દાગીના ગાયબ છે. એ બન્ને શખ્સે સાથે મળીને 9,500 તેમજ સોનાના દાગીના ઉતારી લીધા છે. પોલીસે મહિલાની ફરિયાદ પરથી ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. ધોરાજી સીપીઆઇ કરમૂર ,જામકંડોરણા પીએસઆઈ ગોહેલ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...