જામકંડોરણાના તરેવડા ગામ પાસે અેક ટ્રક અને મોટરકાર વચ્ચે ગોઝારો અકસ્માત થયો હતો અને ટક્કર એવી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ દુર્ઘટનામાં બે યુવાનના મોત થયા હતા જ્યારે એકને ગંભીર ઇજા થતાં સારવારમાં ખસેડાયો છે. વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. બનાવની કરૂણતા એ હતી કે જામનગરનો જેઠવા પરિવાર લગ્ન પ્રસંગે હાજરી આપવા જૂનાગઢ ગયો હતો અને ત્યાંથી પરત આવી રહ્યો હતો ત્યારે આ યુવાનોને કાળ આંબી જતાં પરિવારજનો સ્તબ્ધ બની ગયા હતા.
જામનગરનો વતની એવો જેઠવા પરિવાર કૌટુંબિક લગ્ન પ્રસંગે હાજરી આપવા જૂનાગઢ ગયો હતો અને પરત આવી રહ્યા હતા ત્યારે કોઇને ક્યાં ખબર હતી કે તેઓ ઘરે નહીં, ઇશ્વરના ઘરે પહોંચી જશે. જામકંડોરણાના તરેવડા પાસે આ યુવાનોની કારને ટ્રકના ચાલકે જોરદાર ઠોકર મારતાં કારમાં બેઠેલા જતીનભાઇ જેઠવા અને અંકુરભાઇ ભરડવાના ગંભીર ઇજાના પગલે ઘટનાસ્થળે જ મોત થયા હતા, જયારે તેમની સાથે રહેલા જીજ્ઞેશ ભરડવાને ગંભીર ઇજા થતાં તેમને સારવાર માટે જામકંડોરણા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતના બનાવની જાણ જામકંડોરણાના જિલ્લા બેંકના ડિરેક્ટર લલીતભાઈ રાદડીયા સહિતનાને થતાં તેઓ ઘટના સથળે પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી હતી. તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.