ક્રાઇમ:35,000ની જરૂર પૂરી કરવી’તી, સોનાના બૂટિયાં લૂંટવા પ્રાૈઢાની હત્યા નિપજાવી

ધોરાજી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામકંડોરણાના દડવીમાંથી મહિના પહેલાં કૂવામાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો

જામકંડોરણાના દડવી ગામે એક મહિના પહેલાં વૃધ્ધાની લાશ પાણી વગરના કૂવામાંથી મળી હતી અને તેમના પુત્રએ અમુક શંકા વ્યક્ત કરતાં પોલીસે તપાસ કરતાં અને વૃધ્ધાનો ગૂમ મોબાઇલ સર્વેલન્સમાં મૂકતાં આ ગુનાનો ભેદ ઉકેલાયો હતો અને પડોશમાં જ રહેતા દંપતીને 35,000 રોકડની જરૂર હોઇ, વૃધ્ધાના કાનમાં રહેલા સોનાના બુટિયાં પર નજર જતાં તેની લૂંટ કરવા માટે થઇને દંપતીએ વૃધ્ધાનું ગળું દબાવી હત્યા નીપજાવીને બાદમાં તેની લાશ કૂવામાં નાખી દીધી હોવાનું ખુલ્યું હતું. પોલીસે દંપતીની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી છે.

નાગલબેન નાથાભાઇ ચાવડા એકલા રહેતા હતા અને પાડોશમાં ચંદુ ગોકળ અને તેમના પત્ની હંસાબેન રહેતા હતા. નાગલબેન કાનમાં સોનાના બુટિયાં પહેરતા હોવાની આ દંપતીને ખબર હતી, અને તેમને 35,000 રોકડની જરૂર હતી. આથી બન્નેએ સાથે મળીને નાગલબેનની હત્યા કરી મોડી રાતે લાશ કૂવામાં નાખી દીધી હતી.

વૃધ્ધાનો ફોન ન મળતાં અને તેમના કાનમાંથી સોનાના બુટિયાં ગાયબ હોઇ,તેમના પુત્રએ દર્શાવેલી અમુક શંકાના આધારે પોલીસે નાગલબેનના ફોનને સર્વેલન્સમાં મૂકયો હતો અને તેના આધારે દંપતી ઝડપાઇ ગયું હતું. વૃધ્ધાના પુત્ર ભરત ચાવડાની ફરિયાદ પરથી ખાંટ દંપતી વિરુધ્ધ હત્યા, ગુનાહિત કાવતરું, પુરાવાનો નાશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી આરંભાઇ છે. તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપી મહર્ષિ રાવલે હાથ ધરી છે.

વૃદ્ધાના ફોનમાં સીમ નાખ્યું’ને ઝડપાયા
ચંદુ ગોકળ મકવાણાએ વૃધ્ધાના ફોનમાંથી સીમ કાઢી પોતાનું સીમ તેમાં ચડાવી દીધું હતું અને પોલીસે એ ફોન સર્વેલન્સમાં મૂકતાં આરોપીઓ સુધી પહોંચી શકાયું હતું. આરોપીએ જેવું પોતાનું સીમ શરૂ કર્યું કે તરત આ ગુનાનો ભેદ ઉકેલાઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...