દેશમાંથી અનેક આશાસ્પદ વિદ્યાર્થીઓ મેડિકલ સાયન્સ ભણવા અને એમબીબીએસની ડિગ્રી મેળવવા યુક્રેનમાં અભ્યાસ કરવા પહોંચ્યા છે અને હવે રશિયા અને યુક્રેન વચ્ચેની વધતી તંગદીલીના લીધે અહીં દેશમાં વસતા પરિવારજનોના મોં પરથી ચિંતાના વાદળો હટવા દેતા નથી. ધોરાજી તાલુકાના ત્રણ વિદ્યાર્થી હજુ પણ પરત આવી શક્યા નથી. અસહ્ય ઠંડી અને જે મળે તે ખાનગી વાહનોનો આશરો લઇ બે વિદ્યાર્થી માંડ કરીને રોમાનિયા તો પહોંચી ગયા છે અને એક એ બંકરમાં આશરો લીધો છે તો અન્ય એક વિદ્યાર્થી કોમ્યુનિટી હોલમાં કલાકો વીતાવી રહ્યો છે.
ધોરાજીના નાયબ કલેક્ટર, મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ આ ફસાયેલા વિદ્યાર્થીઓના પરિવારજનોના ઘરે પહોંચી ગયા હતા અને તેમના સંતાનોની ત્યાંથી સ્થિતિ જાણી હતી અને વડીલોને સાંત્વના આપી હતી. ધોરાજી પંથકના ત્રણ વિદ્યાર્થી પૈકી એક મોટી પરબડીનો છે અને બે ધોરાજી શહેરના છે. ધોરાજીના નાયબ કલેક્ટર જયેશ લીખયા, મામલતદાર કે ટી જોલાપરા સહિતના અધિકારીઓની ટીમે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓનાં પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને વહીવટી તંત્ર શક્ય તેટલી જલદી વિદ્યાર્થીઓને સહીસલામત પરત લાવશે તેવી હૈયાધારણા આપી હતી.
મોટી પરબડી ગામે રહેતાં જેન્તીભાઈ ભનુભાઈ બાબરીયાનો યુવાન પુત્ર જે યુક્રેનમાં એમબીબીએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. જે હાલ યુક્રેન અને રશિયા વચ્ચેના યુધ્ધના પગલે યુક્રેનથી જીવ બચાવવા ખાનગી વાહનોમાં ભારે ઠંડી વચ્ચે મુસાફરી કરી મહામહેનતે રોમાનીયાના રોમન ગામે કોમ્યુનિટી હોલ ખાતે આશરો લીધો છે. જ્યારે ધોરાજી શહેરના બે યુવાન પેકી એક રોમાનીયા પહોચી ગયો છે, એક વિદ્યાર્થીએ બંકરમાં આશરો લીધો છે જે હાલ સહી સલામત છે તેવું જાણવા મળી રહ્યું છે. વિદ્યાર્થીઓ તેમના પરિવારજનો સાથે સતત સંપર્કમાં છે અને શક્ય તેટલી જલદી તેમને પરત લવાશે તેવી હૈયાધારણા અધિકારીઓએ આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.