ડુમિયાણી ટોલબૂથ પર ધોરાજી, ઉપલેટા સહિતના આસપાસના ગામમાંથી અવરજવર કરતા વાહન ચાલકોને મન્થલી પાસમાંથી મુક્તિ આપવા અને ઓછો ટેક્સ વસુલવા અંગે યોગ્ય કરવાની છેલ્લા ઘણા સમયથી ઉગ્ર રજૂઆતો થઇ રહી છે અને હવે આ લડત ધીમે ધીમે આક્રમક બને તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.
આ મુદે અગાઉ પણ હાઇવે ઓથોરિટીને રજૂઆત કરાઇ હતી અને તેમાં કોઇ કાર્યવાહી ન થતાં ધારાસભ્ય, પાલિકાના આગેવાનો સહિતના જિલ્લા કલેક્ટરને મળ્યા હતા અને આ મુદાને ગંભીરતાથી લઇ સ્થાનિક વાહન ચાલકોને અપાતા ખોટા બોજથી મુક્તિ અપાય તેવી માગણી કરી છે.
ધોરાજી, ઉપલેટા નેશનલ હાઇવે પર આવેલા ડુમિયાણી ટોલબૂથ પર ધોરાજી, ઉપલેટા અને આસપાસના વિસ્તારોમાંથી અવર જવર કરતા વાહનચાલકો, સ્થાનિક વેપારીઓ અને નગરજનો પાસેથી ફરજિયાત માસિક પાસનો આગ્રહ રાખવામાં આવતાં લોકોમાં નારાજગી ફેલાઇ હતી અને સ્થાનિક વાહનના ચાલકોને આ ટેક્સમાંથી મુક્તિ આપવા માગણી ઉઠી છે .
જે અનુસંધાને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા, પાલિકા પ્રમુખ મયુર સુવા, તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઇ ચંદ્રવાડિયા, ધોરાજી તાલુકા પંચાયત પ્રમુખ રસિક ચાવડા, પિયુષ માકડિયા, જેન્તીભાઇ ગજેરા, દિનેશભાઇ વીરડા સહિતના આગેવાનો રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુને રૂબરૂ મળ્યા હતા અને આવેદન આપી આ ટોલબૂથ પર લોકલ વાહન ચાલકો પાસેથી ઉઘરાવાતા કમરતોડ ટેક્સ સામે રોષ વ્યક્ત કરી વધારાનો ટોલટેક્સ બંધ કરાવવા, નીતિ નિયમ મુજબ જ વેરો વસુલવા અને આસપાસના 20 કિમી સુધીમાં રહેતા વાહનચાલકોને મુક્તિ આપવા માગણી કરી છે.
આ અંગે રસિક ચાવડાએ જણાવ્યું હતું કે આ ટોલબૂથ પર સ્થાનિક વાહનચાલકોના ખિસ્સામાંથી પણ તગડો વેરો વસુલાતો હતો. આ અંગે હાઇવે ઓથોરિટીને પણ રજૂઆત કરાઇ હતી પરંતુ તેમાં કોઇ ઉકેલ આવ્યો ન હતો. આથી ધારાસભ્ય ની આગેવાનીમાં કલેક્ટરને મધ્યસ્થી બનાવી સરકારને રજૂઆત કરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.