આયોજન:‘દીકરીઓની સાથે દીકરાઓ અભ્યાસમાં આગળ વધે એ આજના સમયની માંગ’

ધોરાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધોરાજીમાં આહીર સમાજના સમારોહમાં જવાહર ચાવડાની શીખ

ધોરાજી સમસ્ત આહિર સમાજ દ્વારા રાજ્ય સરકારના મંત્રી, ધારાસભ્યોનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં પ્રદેશ આહિર સમાજના પ્રમુખ જવાહરભાઈ ચાવડા, કેબિનેટ મંત્રી મુળુંભાઈ બેરા સહિત ચાર ધારાસભ્યોનું સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું.

આ અવસરે આહિર સમાજના પ્રમુખ અને પૂર્વમંત્રી જવાહરભાઈ ચાવડા, મંત્રી મુળુભાઈ બેરા તેમજ ધારાસભ્યો ભગવાનભાઈ બારડ, ઉદયભાઈ કાનગ, ત્રિકમભાઈ છાંગા અને હેમંતભાઈ ખવાનું ધોરાજી સમસ્ત આહિર સમાજના અગ્રણી લક્ષ્મણભાઈ વસરા, દિલીપભાઈ ચાવડા, હિરેનભાઈ વસરા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જવાહરભાઈ ચાવડાએ સમાજને શિક્ષણ ક્ષેત્રે યુવાનોને આગળ વધવા ભાર મુકતાં જણાવ્યું હતું કે હાલના સમયમાં અભ્યાસનું મહત્વ છે. સોશિયલ મીડિયાના માધ્યમથી વિશ્વને સૌથી મોટી માહિતી મળી રહી છે ત્યારે સરકારે એની પણ ચિંતા કરવી પડે છે કારણ કે આખું વિશ્વ એમના હાથમાં છે ત્યારે એ માધ્યમથી આપણે આગળ વધવું જોઈએ.

દીકરીઓ જે પ્રકારે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે એ પ્રકારે આપણા સમાજના દીકરાઓ પણ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે તે ખાસ જરૂરી છે. દીકરીઓનો અભ્યાસ વધારે છે અને દીકરાઓ ઓછું ભણતા હોય તેવું પણ જાહેરમાં જોવા મળી રહ્યું છે જેથી વધુમાં વધુ દીકરાઓ અભ્યાસ કરે તો સો ટકા આગળ વધશે.

મુળુંભાઇ બેરાએ જણાવ્યું હતું કે નવી સરકારે સુકાન સંભાળતાની સાથે જ મહત્વના આઠ નિર્ણયો કર્યા હતા જેમાં દેવભૂમિ દ્વારકા ખાતે રાજ્ય સરકાર દ્વારા વિકાસ કામ હાથ ધરવામાં આવ્યું છે જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદારનું સ્ટેચ્યુ જે પ્રકારે મૂકવામાં આવ્યું છે તે પ્રકારે દ્વારકા નગરીમાં પણ ભગવાન કૃષ્ણની મૂર્તિ મૂકવામાં આવશે. જેથી ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકા ઐતિહાસિક યાત્રા પ્રવાસનું સ્થાન બની રહેશે.

રાજકોટના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડે પણ એજ્યુકેશન ક્ષેત્રે સમાજ આગળ વધે તે બાબતે ભાર મુક્યો હતો. ભગાભાઈ બારડે અપીલ કરી હતી કે તમામ સમાજને સાથે રાખીને ચાલજો તો આપણી પ્રગતિ થશે.

ભવનાથના મહાદેવગીરી બાપુએ આહીર સમાજને એક તાતણે બાંધવા અપીલ કરી હતી. સુપેડીના મુરલી મનહર મંદિરના મહંત રવિદાસ બાપુએ આશીર્વાદ પાઠવ્યા હતા. આ સાથે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. સમારોહને સફ્ળ બનાવવાં માટે ધોરાજી આહિર સમાજ ના અગ્રણી લક્ષ્મણભાઈ વસરા ,દિલીપભાઈ ચાવડા, હિરેનભાઈ વસરા હરેશભાઈ હેરભા વિગેરે આહિર સમાજની યુવા ટીમે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...