હરિ સંગ ભક્તો રમશે હોરી:સુપેડીના પ્રાચીન મુરલીમનોહર મંદિરે બુધવારે ફૂલડોલ મહોત્સવની થશે ભાવપૂર્ણ ઉજવણી

ધોરાજી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોમવારે ઠાકોરજીના રાળના દર્શન, મંગળવારે અનેકવિધ આયોજનો

ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલા અને અતિ પ્રાચીન એવા સુપ્રસિદ્ધ મુરલી મનોહર મંદિર ખાતે ફાગણ સુદ પૂર્ણિમા અને ફુલડોલ મહોત્સવની ધામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવશે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને દુર દુરથી ભાવિકો મુરલી મનોહરના દર્શન કરવા અને હરિ સંગ હોરી ખેલવા આવી પહોંચશે. ​​​​​​મંદિરના સેવાભાવી કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે તારીખ 6 -3 ને સોમવારે સાંજે 7:30 થી 8:30 કલાકે ઠાકોરજીને રાળ હોળી દર્શન કરાવાશે.

ત્યારબાદ ફાગણ સુદ પૂર્ણિમાને તા. 7- 3 ને મંગળવારે સવારે 6:00 કલાકે મંગળા આરતી, સાત કલાકે શૃંગાર દર્શન, આઠ કલાકે સત્યનારાયણ દેવની કથા 9:30 કલાકે ધ્વજા મનોરથ, બપોરે 11 વાગ્યે રાજભોગના દર્શન, સંધ્યા ભોગ દર્શન સાંજે પાંચ કલાકે અને સંધ્યા આરતી સાંજે 7:00 કલાકે યોજાશે તેમજ તારીખ 8 ને બુધવારના રોજ સવારે 9:00 વાગ્યાથી 11 વાગ્યા સુધી ઠાકોરજી ફૂલડોલમાં બિરાજશે. આ મહોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. સદીઓ પુરાણા આ મંદિરમાં ભક્તો ફળો ચડાવવાની માનતા રાખે છે અને વર્ષ ભર અહીં ભાવિકો ઉમટતા રહે છે.

ડાકોર અને દ્વારકાની જેમ પશ્ચિમ મુખે ભગવાન બિરાજમાન
આ મંદિરની મહત્વની વાત એ છે કે અહીં આથમણી એટલે કે પશ્ચિમ મુખે ભગવાન શ્રીકૃષ્ણ બિરાજે છે. રાજ્યમાં આવા મંદિર ત્રણ જગ્યાએ જોવા મળે છે જેમાં એક દ્વારકા, બીજું ડાકોર અને ત્રીજું સુપેડીનું મંદિર છે. આ પાવન જગ્યા પર શ્રીકૃષ્ણ મંદિર તથા શિવ મંદિર ‌સહિતના અન્ય મંદિરો પણ આવેલા હોવાથી ભક્તોને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

આ મંદિરમાં દર પૂનમના દિવસે સવારે તથા સાંજે મહાપ્રસાદનું આયોજન થાય છે જેમાં લાખો ભક્તો પ્રસાદ લાભ લેતા હોય છે દરરોજ એક ધજાજી પણ ચડાવવામાં આવતી હોય છે. આ મંદિરનું બાંધકામ 1100 વર્ષ પહેલાનું હોવાની માન્યતા છે. પૌરાણિક અને અતિપ્રાચિન એવી આ ધરોહર પુરાતત્ત્વ વિભાગ માટે પણ સંસોધનનો વિષય બની રહે તેટલી રસપ્રદ છે.

અન્ય સમાચારો પણ છે...