તપાસ:ધોરાજીના સુપેડીમાંથી અપહૃત બાળકી બગસરાના નવા વાઘણિયામાંથી મળી

ધોરાજી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઇક પર ભગાડી જનાર શખ્સ હજુ પોલીસ પકડથી બહાર, રૂરલ પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી

ધોરાજીના સુપેડી ગામેથી અપહરણ થયેલી ત્રણ વષીય બાળકી બગસરાના નવા વાઘણીયા ગામેથી મળી આવતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. બાળકીને મોટર સાયકલ પર ભગાડીને લઇ જનારો નરાધમ જો કે હજુ પણ પોલીસ પકડથી બહાર છે. પરંતુ પોલીસે આસપાસના ફૂટેજ ચેક કરતાં એક શખ્સ આ બાળકીને લઇ જતો હોવાનું માલૂમ પડ્યું છે, જેના આધારે તેની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે.

ધોરાજી તાલુકાના સૂપેડી ગામેથી મજુર કુટુંબની ત્રણ વર્ષની બાળકીનું અજાણ્યો મોટરસાઈકલ ચાલક શખ્સ અપહરણ કરીને લઇ જતાં આ બનાવ મામલે રાજકોટ રૂરલ પોલીસ વડા બલરામ મીના, જેતપુર નાયબ પોલીસ વડા સાગર બાગમરની સૂચના માર્ગદર્શન તળે ધોરાજી પીઆઇ હકુમતસિંહ જાડેજાએ અપહૃત બાળકીની ભાળ મેળવવા અને આરોપી ને ઝડપવા માટે ચોતરફ પોલીસની નાકાબંધી કરાવીને અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.

આ અપહરણ મામલે તમામ પોલીસ મથકોને જાણ કરાતા અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયે ગુનાની ગંભીરતા ઘ્યાને લઈ જિલ્લાના વોટસએપ ગૃપમાં અપહૃાત બાળકી તથા આરોપીનો વિડીયો તથા ફોટો મૂકાવી અને આ બાબતે તપાસમાં રહેવા તાકીદ કરી હતી અને તે અનુસંધાને સદરહુ સીસીટીવી વિડીયો ફુટેજ તથા ફોટો બગસરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના અલગ અલગ સ્થાનિક વોટસએપ ગૃપમાં મૂકતાં આવો એક શખ્સ જોવા મળ્યો હોવાનું સામે આવતાં બગસરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયું હતું

અને જેના આધારે અપહૃત બાળકી નવા વાઘણીયા ગામેથી મળી આવતા બગસરા પોલીસે રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસનો સંપર્ક કરી આગળની કાર્યવાહી કરી અપહૃત બાળકી રાજકોટ ગ્રામ્ય પોલીસને સોંપી દીધી છે. રાજકોટ રૂરલ પોલીસની ટીમ હજુ પણ એ બાળકીનું અપહરણ કરનાર આરોપી ફરાર હોય જેને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...