ધોરાજીના ઝાંઝમેર ગામ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ઉપલેટાના સોની વેપારીને બે અજાણ્યા બાઇક સવાર શખ્સોએ ધસી આવીને તેમને પછાડી દીધા હતા અને તેમના હાથમાં રહેલો થેલો કે જેમાં સોના ચાંદીના દાગીના અને ફોન તેમજ રોકડ સહિતની મત્તાની લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા. વેપારીએ બાદમાં પોલીસને જાણ કરતાં સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા બાઇક સવારોની ઓળખ મેળવી તેમની ધરપકડ કરવા સહિતની તજવીજ હાથ ધરી છે.
આ બનાવની મળતી માહિતી અનુસાર ઉપલેટાના સોની વેપારીના રમેશભાઈ અમૃતલાલ સોની ઉ.વ. 60 એ ધોરાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેઓ ઝાંઝમેર પાસેથી સાંજના સાડા પાંચ વાગ્યા પછી તેઓ પોતાનો દાગીના નો થેલો લઈને ઉપલેટા પોતાનાં ઘરે પરત ફરી રહ્યાં હતાં ત્યારે ઝાંઝમેરથી સુપેડી ગામ વચ્ચે બે અજાણ્યા બાઈક સવારે તેમને ધક્કો મારી દેતા મારું મોટરસાયકલ ફંગોળાઈ ગયું હતું. અને અજાણ્યા બાઈક સવાર મારો થેલો ઝુંટવી નાસી ગયા હતા.આ થેલામાં ચાંદીના સાંકળા નંગ 17 કિંમત રૂ 28,280 તથા સોનાની બુટી કિંમત રૂ 10270,તથા રોકડ રકમ રૂ 4000 સહિત કુલ રૂ 42550 નો મુદામાલની લૂંટ બાઈક પર આવેલ બે અજાણ્યાં શખ્શોએ કરી છે. આ ફરિયાદના આધારે પોલીસે આઇપીસી 392 મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ મામલે ધોરાજી પીઆઇ એ.બી ગોહિલે જણાવ્યું હતું કે આ ઘટનામાં અમે તપાસ આરંભી છે. લૂંટના ગુનામાં સંડોવાયેલા અજાણ્યાં આરોપીઓના સગડ મેળવવા માટે અમારી ટીમે આજુબાજુના માર્ગો પર નાકાબંધી ગોઠવી અને સીસી ટીવી ફૂટેજ મેળવીને તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.