આયોજનનો અભાવ:ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં RTPCR લેબ ઊભી કરાઇ, શરૂ કરવામાં નડ્યું લાંબુ ગ્રહણ

ધોરાજી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલી લેબોરેટરી સ્ટાફના અભાવે હજુ પણ બંધ

ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે આર.ટી.પી.સી.આર લેબોરેટરી બનાવી તો દેવાઇ છે પરંતુ શરૂ કરવામાં કોઇ ગ્રહણ નડી ગયું છે. આથી આ લેબોરેટરી તાકીદે શરૂ કરવા લોક માંગ ઉઠવા પામી છે. ધોરાજીની સરકારી કોવિડ હોસ્પીટલ ખાતે દર્દીઓના ટેસ્ટ કરવા, આર.ટી.પી.સી.આર રિપોર્ટ કરવાં માટે રાજ્ય સરકાર દ્વારા લાખો રૂપિયાના ખચે આર.ટી.પી.સી.આર લેબોરેટરી બનાવી છે પણઆ લેબમાં જરૂરી નિષ્ણાત સ્ટાફ, માઇક્રોબાયોલોજિસ્ટ ,લેબ ટેક્નિશિયન ,લેબ આસિસ્ટન્ટ,ડેટા એન્ટ્રી ઓપરેટર સહિતના સ્ટાફ અને કર્મચારીના અભાવે આ લેબોરેટરી શરૂ નહી થતાં લોકોને આરટીપીસીઆર રિપોર્ટ માટે 24 કલાકની રાહ જોવી પડી રહી છે.

આથી સ્થાનિક સ્તરે જ આ લેબ તાકીદે શરૂ થઇ જાય તેવી માગણી લોકોમાંથી ઉઠી છે. રાજ્ય ના આરોગ્ય તંત્ર દ્વારા લાખોના ખર્ચે અદ્યતન મશીનરી સાથે લેબોરેટરી ઉભી તો કરવામાં આવી છે પરંતુ નિષ્ણાત સ્ટાફના અભાવે લોકોને આ સુવિધા મળી રહી નથી.

લેબ શરૂ ન થાય તો આંદોલન
લેબ શરૂ કરવા મુદે ગાંધીનગર ખાતે આરોગ્ય તંત્રને રજૂઆત કરાઈ છે, જો હજુ પણ તંત્ર વાહકો દ્વારા સરકારી હોસ્પિટલમાં લેબોરેટરી શરૂ નહી કરાય તો આંદોલનનો માર્ગ અપનાવવો પડશે. - લલિત વસોયા, ધારાસભ્ય, ધોરાજી

સ્ટાફની ફાળવણી હજુ બાકી છે
ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે લેબોરેટરી શરૂ કરવા માટે જરૂરી નિષ્ણાત સ્ટાફ,માઇક્રોબાયોલોજિસ્ટ, લેબ ટેક્નિશિયન ,લેબ આસિસ્ટન્ટ ,ડેટાએન્ટ્રી ઓપરેટર ની ફાળવણી કરવા માટે દરખાસ્ત કરાઈ છે, સ્ટાફ આવી જતાંં તરત જ લેબોરેટરી શરૂ કરવામાં આવશે. - ડો. જયેશ વસેટીય, અધિક્ષક, ધોરાજી સરકારી હોસ્પિટલ

અન્ય સમાચારો પણ છે...