ધોરાજીના સૂપેડી ગામે દારૂ વેચાતો હોવાની બાતમીના આધારે પોલીસ ત્રાટકી હતી અને દરોડાની કાર્યવાહી ચાલતી હતી એ દરમિયાન ઓચિંતા પોલીસને જોઇને સ્થળ પર હાજર લોકોમાં ભારે નાસભાગ મચી ગઇ હતી. એવામાં એક આધેડ કોઇ પણ કારણોસર પડી ગયા હતા અને તેમનું મોત નીપજ્યું હતુ. પોલીસને જોઇને આઘાત લાગતાં અાધેડનું હૃદય બેસી જતાં મોત થયાની શંકા સેવાઇ રહી છે તો બીજી તરફ મૃતકના પરિવારજનોએ હોસ્પિટલ ધસી જઇને ભારે દેકારો મચાવ્યો હતો અને પોલીસે ધસી જઇને મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવવાની ખાતરી આપતાં મોડી રાતે મામલો થાળે પડ્યો હતો.
ધોરાજીના સુપેડી ગામે દારૂનો દરોડો કરવા ગયેલી પોલીસને જોઇ સ્થળ પર હાજર લોકોમાં નાસભાગ મચી હતી અને એ વખતે ત્યાં હાજર કાંતિભાઈ બાબુભાઇ સોલંકી નાસભાગ દરમિયાન રસ્તામાં પડી ગયા હતા, અને પોલીસને જોઇ આઘાતથી તેમનું હૃદય બેસી ગયાની પ્રાથમિક શંકા સેવાઇ રહી છે. જેમનો મૃતદેહ જ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. સરકારી હોસ્પિટલ ખાતે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરતા મૃતકના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો, અને ઘડીભર તો મામલો ગરમાયો હતો.
મૃતકના પરિવારજનોએ રોષ વ્યકત કરાતાં ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ , ડીવાયએસપી મહર્ષિ રાવલ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા જ્યાં પરિવારજનોએ પોલીસ પર આક્ષેપો લગાવ્યા હતા ત્યારે પોલીસે રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો અને પોલીસે મૃતદેહને રાજકોટ ખસેડ્યો હતો. આ બાબતે ધોરાજીના પીઆઇ એ.બી.ગોહિલે જણાવ્યું હતું કે ફોરેન્સિક પીએમનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે, જે રિપોર્ટ એકાદ બે દિવસમાં આવી જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.