સબજેલમાં ચેકિંગ:ધોરાજી સબજેલમાંથી ફોનનું ચાર્જર અને પાન-બીડી મળ્યા, ત્રણ કેદી સામે ફરિયાદ

ધોરાજી10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂ. 6880નો મુદ્દામાલ કબજે, પાણી ભરવાના જગના ઢાંકણમાં છૂપાવ્યું હતું ચાર્જર

ધોરાજી સબજેલમાં ઓચિંતુ ચેકિંગ હાથ ધરવામાં આવતાં ત્યાંથી મોબાઇલ ચાર્જર, પાન બીડી અને તમાકુનો જથ્થો મળી આવતાં પોલીસે ત્રણ કેદી વિરુધ્ધ ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ધોરાજી પીઆઇ હકૂમત સિંહ જાડેજા, એસઓજી પીએસઆઇ હીંગરોજા સહિતના પોલીસે સ્ટાફે ધોરાજી સબ જેલ ખાતે ચેકીંગ હાથ ધરીને પ્રોહિબિટેડ વસ્તુઓ ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.

નાયબ પોલીસ વડાએ જણાવ્યું હતું કે સબજેલમાં પ્રોહિબિટેડ વસ્તુઓ હોવાની બાતમીના આધારે સબ જેલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને જેમાં મોબાઈલ ચાર્જર સહિતની વસ્તુ મળી આવી હતી. આ ચીજવસ્તુઓમાં બે મોબાઇલ ચાર્જર, ઈલેક્ટ્રિક વાયર પ્લગ, સોકેટ, તેમજ જુદી જુદી બેરેકમાંથી તમાકુની પડીકી, બીડી અને તંબાકુ વાળા માવાનો જથ્થો મળી આવ્યો હતો આથી પોલીસે કુલ મળી 6880 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે સબ જેલમાં રહેલા આરોપી વિપુલ ઉર્ફે પુનિત ઉર્ફે જોન્ટી રવજીભાઈ બગડા, નવનીત ભાઈ પ્રહલાદભાઈ ચલ્લા અને સલીમ ઉમર ભાઈ સાંધ વિરુદ્ધ ધોરાજી પોલીસ સ્ટેશનમાં પ્રીઝન એક્ટની કલમ 42 અને 45 મુજબ ફરિયાદ નોંધીને વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

પ્લગ હાથ લાગતાં ફોન પણ ક્યાંક છૂપાવાયો હશે
ધોરાજી પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમત સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આરોપીઓએ પાણી ભરવાના જગ કે જેમાં પાછળનું ઢાંકણું ખોલતા તેની અંદર કાળા કલરની થેલીમાં બે પિનનું સોકેટ વાયર અને પ્લગનું એડેપ્ટર રાખેલું હતું. ધોરાજી સબજેલમાં આ પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલતી હતી અને આ ફોન દ્વારા કોને ફોન કર્યા છે તે સમગ્ર માહિતી કાઢવામાં આવશે. પ્લગ હાથ લાગતાં ફોન પણ ક્યાંક છૂપાવાયો હોવાનું સાબીત થાય છે. આથી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...