ધોરાજી અને જેતપુર વચ્ચે આવેલા ગામ કેરાળી ત્રિવેણી સંગમ તીર્થ ગણાતા વિશ્વેશ્વર મહાદેવ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનાં બીજા દિવસે યજ્ઞ પૂજા સાથે વિશાળ ધર્મસભા યોજાઈ હતી. મંદિરના મહંત મધુસૂદન દાસજી બાપુની નિશ્રામાં સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાંથી સાધુ સંતો મહંતો હાજર રહ્યા અને સનાતન ધર્મ પર તેજાબી પ્રવચન આપ્યું હતું.
ધર્મસભામાં પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકની ઉપસ્થિતિ વચ્ચે ધર્મસભામાં ગોપાલ દાસ બાપુએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં ધર્મ, શાસ્ત્ર અને સંતો વિકટ સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા છે. જો કે સમય અનુસાર સર્વે શુભ એને મંગળકારી થઈ રહેશે.
હિન્દુ સનાતન ધર્મ વિશે ઘનશ્યામ દાસજીએ જણાવ્યું હતું કે હિન્દુ ધર્મમાં શાસ્ત્ર અને શસ્ત્ર બન્નેની આવશ્યકતા છે. બન્ને ધર્મના અભિન્ન અંગ છે. ભારત હિન્દુ રાષ્ટ્રના નિર્માણ તરફ લઈ જવાની ચિંતા અને પ્રયત્ન સૌએ સાથે મળી કરવો પડશે.
કાશી વિશ્વનાથ કોરિડોરની પ્રશંસા કરવાની સાથોસાથ મથુરા ખાતે આવેલી મસ્જિદ વિષે ટિપ્પણી કરી ઉમેર્યું હતું કે મથુરા તો કૃષ્ણ નગરી છે. કૃષ્ણ જન્મભૂમિ છે. ત્યાં પણ હજુ અનેક અવરોધો છે જે દૂર કરવા રહેશે. આ ઉપરાંત પાકિસ્તાન સામે પણ અંગુલી નિર્દેશ કરી જણાવેલ કે ભારત પાસે રહેલ પરમાણું બોમ્બ એ દિવાળી પર ફોડવાનો ફટાકડો નથી એ પણ પાકિસ્તાન સમજી લે.
ધર્મસભામાં રામદયાલ દાસજી મહારાજ, રામભૂષણ દાસજીબાપુ, ભગવાન દાસજીબાપુ, વિષ્ણુ દાસબાપુ, બંસિદાસ બાપુ, લક્ષ્મીદાસજી બાપુ, હરિદાસજી બાપુ, વિષ્ણુપૂરી બાપુ, ઋષિ કુમારી, મહંત તારાપૂરી બાપુ, સહિતોએ ઉપસ્થિત રહી હિન્દુ સનાતન ધર્મ વિશે ઉદબોધન અને માર્ગદર્શન આપ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.