લોકોને હાલાકી:ધોરાજીના વોર્ડ નંબર 5માં વગર વરસાદે ભૂગર્ભ ગટરના ગંદા પાણીની રેલમછેલ

ધોરાજી17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધોરાજી શહેરના વોર્ડ નંબર પાંચમા ભૂગર્ભ ગટરના પાણી ભરાઇને ઉભરાયા બાદ રોડ પર છલકાવાની સમસ્યા ઘેરી બની છે. વરસાદના પાણી હોય તો સમજ્યા કે થોડા સમયમાં ઉતરી જાય, પરંતુ ગટરના ગંધાતા પાણી ભરાયેલા જ રહેતા હોવાથી લોકોના આરોગ્ય પર મોટું જોખમ સર્જાયું છે. આથી ગટરની આ સમસ્યા હલ કરવા લોક માંગ ઉઠવા પામી છે.

ધોરાજીમાં ભૂગર્ભ ગટર યોજના શરૂ કરવામાં આવી છે, પરંતુ ઠેર ઠેર ભૂગર્ભ ગટરના પાણી છલકાતા હોય તેમજ પીવાના પાણીની લાઇનો સાથે ગટરના ગંદા પાણી ભરાઇ જતા હોવાની લોક ફરિયાદો વધી રહી છે. તંત્ર વાહકો દ્વારા ભૂગર્ભ ગટરની સમસ્યાનો નિવેડો લાવવા માટે સ્થાનીક રહીશોએ રજૂઆત કરી છે.

ધોરાજી નગરપાલિકાના વોર્ડ નંબર 5ના પાલાવાડ, ખત્રીપા, અને મસ્જિદ વિસ્તારમાં વસવાટ કરતા લતાવાસીઓએ ધોરાજી નગરપાલિકા કચેરી ખાતે આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા રહેતા હોય તેમજ ગટરના ગંદા પાણી ભૂગર્ભના ઢાંકણા માંથી બહાર નીકળી શેરીમાં નીકળતા હોય અને લોકોના ઘરોમાં એ ગંદા પાણી આવી જતા હોવાથી સત્વરે ગંદા પાણીનો નિકાલ કરવા તેમ જ ભૂગર્ભ ગટર સફાઈ કામગીરી શરૂ કરવાની રજૂઆત કરી હોવાં છતાં તંત્ર વાહકો દ્વારા નક્કર કાર્યવાહી નહી કરાતા લોકોમા કચવાટ સાથે રોષ વ્યાપી ગયો છે. લોકોઅે આક્રોશસાથે જણાવ્યું હતું કે આ અંગે અવારનવાર તંત્રનું અને નગરસેવકોનું ધ્યાન દોરવામાં આવ્યું જ છે છતાં કોઇ જ કાર્યવાહી કરાતી નથી. માત્ર વેરા લાદવામાં અને ઉઘરાણી કરવામાં હોંશિયાર પાલિકા કામગીરી મુદે શા માટે આ રીતે પીછેહઠ કરી રહી છે તે સમજાતું નથી.

અન્ય સમાચારો પણ છે...