તંત્રની કવાયત:ધોરાજીના લઘુમતી વિસ્તારોમાં વેક્સિનેશનમાં ઝડપ લાવવા માટે જિલ્લા કલેક્ટર, SP, DDOની દોડધામ

ધોરાજી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમુક ગેરમાન્યતાઓને લીધે લઘુમતી વિસ્તારોમાં રસીકરણ રહ્યું છે નિરસ
  • સ્થાનિક આગેવાનોને સાથે રાખી સમસ્ત સુન્ની મુસ્લિમ જમાતના સહયોગથી યોજાયો મહાકેમ્પ

ધોરાજી શહેરની તુલનામાં લઘુમતિ વિસ્તારમાં વેક્સિનેશનની ઝડપ ઓછી હોવાની અને ખાસ કરીને ચોક્કસ પ્રકારની માનસિકતાને લીધે લોકો રસી લેવાથી દૂર રહેતા હોવાથી તંત્રએ આ વિસ્તારમાં મહત્તમ રસીકરણ થાય તે માટે ખાસ કવાયત હાથ ધરી છે અને એક સપ્તાહથી કાર્યક્રમો યોજી લોકોને સમજાવી રહ્યા છે. સ્થાનિકોને રસીનું મહત્વ અને ઉપયોગિતા સમજાવવા કલેક્ટર, એસપી, ડીડીઓ સહિતના ધોરાજી દોડી ગયા છે.

સમગ્ર દેશ અને ગુજરાતમાં કોરોના સામેની લડાઈમાં વેક્સિનેશન વધારવા સરકારે ખાસ મિશન હાથ ધર્યું છે ત્યારે ધોરાજી શહેરમાં લઘુમતી સમાજના વિસ્તારમાં ઓછું રસીકરણ થતાં ઝુંબેશ હાથ ધરવા માટે રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ,જિલ્લા પોલીસ વડા બલરામ મીના, ડીડીઓ દેવ ચોધરી, ના.કલેક્ટર જી. વી. મીયાણી,નાયબ પોલીસ વડા સાગર બાગમાર, મામલતદાર કે. ટી. જોલાપરા, આરોગ્ય તંત્રની ટીમ બહારપુરા ખાતે દોડી ગયા હતા અને સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત દ્વારા આયોજીત રસીકરણ કેમ્પમાં હાજરી આપી કોઇ અફવાઓથી ન દોરાવા અને રસીકરણ કરાવી લેવા લોકોને અપીલ સાથે માર્ગદર્શન આપ્યું હતું.

કેમ્પમાં હાજર જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબૂ સહિતનાઓનું મકબુલ ભાઈ ગરાણા, મેમણ જમાતના પ્રમુખ અફરોજ ભાઈ લકકડકૂટા, માજી નગરપતિ કાસમભાઈ કૂરેશી, હમીદ ભાઈ ગોડીલ, બોદૂભાઈ સહિતનાઓએ સન્માન કર્યું હતું.

શહેરી વિસ્તારની તુલનામાં લઘુમતી વિસ્તારમાં રસીકરણ કામગીરી ધીમી
ધોરાજીના શહેરી વિસ્તારમાં વેક્સિનેશનની કામગીરી 80% થી વધારે થઈ છે. શહેરના સ્ટેશન પ્લોટ વિસ્તાર હીરપરા વાડી જમનાવડ રોડ જેતપુર રોડ પરની તમામ સોસાયટી અને વિસ્તારોમાં વેક્સિનેશન ની કામગીરીમાં લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે જ્યારે ધોરાજી શહેરના લઘુમતી વિસ્તારમાં ખાસ કરીને બહારપુરા પોસ્ટ ઓફિસચોક વિસ્તાર અને ઉપલેટા રોડ પર વેક્સિન મામલે હજુ પૂર્ણ જાગૃતતા આવી નથી. જેને કારણે મુસ્લિમ વિસ્તારોમાં વેક્સિનેશન ની કામગીરી જોઈએ તે પ્રમાણમાં થઈ શકી નથી, ત્યારે રસીકરણ અભીયાનને વેગવંતુ બનાવવાં માટે ખાસ ઝુંબેશ શરૂ કરવી પડી છે તેમ અધિકારીઓએ ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...