હાલાકી:ધોરાજીમાં વીજ મોટરમાં ખામી સર્જાતાં પાણી પમ્પિંગમાં વિક્ષેપ

ધોરાજી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હજુ 1 દિવસ પાણી વિતરણ અનિયમિત રહેશે:પાલિકા
  • મુખ્ય લાઇન નાની હોવાથી​​​​​​​ પાંચ દિવસે મળે છે પાણી

ધોરાજીમાં પીવાના પાણીનું પમ્પિંગ કરતી ઇલેક્ટ્રિક મોટરમાં ખામી સર્જાતાં લોકોને પીવા માટે અપાતા પાણીના જથ્થાનું પુરતું પમ્પીંગ ન થઇ શકતા પાણી વિતરણમાં વિક્ષેપ સર્જાયો હોવાનું પાલિકાના સુત્રોએ જાહેર કર્યું છે અને રવિવારે તેમજ સોમવારે લોકોને રોજના સમય કરતાં મોડું પાણી વિતરિત થશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

નોંધનીય છે કે ધોરાજીમાં દર પાંચ દિવસે પીવાના પાણીનું વિતરણ થાય છે, અને તે એક કલાક સુધી આપવામાં આવે છે અને લોકોને પણ આ રીતે પાણીનો સ્ટોરેજ કરીને વાપરવાની ટેવ પડી ગઇ છે. તેમ છતાં હજુ સોમવારે પાણી નિયત સમય કરતાં મોડું વહેલું આવી શકે તેવી જાહેરાત કરાઇ છે.

ધોરાજી શહેરને પીવા માટેનું પાણી જામકંડોરણાના દુધીવદર સ્થિત ફોફળ ડેમમાંથી ગ્રેવીટી માધ્યમથી સપ્લાય થાય છે. જે પાણીની મુખ્ય લાઇન નાની ક્ષમતાની હોવાથી ધોરાજીમાં નિયમીત રીતે દર પાંચમા દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. જો કે નગરજનોને આદત પણ પડી ચૂકી છે. હાલ ધોરાજીમાં પાણી વિતરણ માટેની મુખ્ય ઇલેક્ટ્રિક મોટરમાં ખામી સર્જાઈ છે. જેને લીધે પાણી વિતરણમાં થોડો વિક્ષેપ સર્જાશે, અને સોમવારે પણ અનિયમિત વિતરણ થશે.

આ મામલે ધોરાજીમાં નગરપાલિકાના વોટર વર્કસ સમિતિના અધ્યક્ષ અમિષ અંટાળાએ જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક મોટરમા યાંત્રિક ખામી સર્જાઈ હોવાથી પાણી સપ્લાયમાં બે દીવસ મોડું થઇ રહ્યું છે. જે ક્ષતિ પણ તાકીદે નિવારી લેવામાં આવશે અને લોકોને પાણીની ઓછામાં અોછી તકલીફ પડે તેવા પ્રયત્નો કરાશે. જોકે ગૃહીણીઓને થોડી ઘણી હાલાકી પડવાની ખરી!

અન્ય સમાચારો પણ છે...