ધોરાજીના રાવલ ફળિયા વિસ્તારમાં પાણીની સમસ્યા ફાટીને ધુમાડે જતાં મહિલાઓ વીફરી હતી અને એકઠા થઇ બેડા સરઘસ કાઢ્યું હતું તેમજ પાણી આપોના નારા લગાવી જોરદાર સુત્રોચ્ચાર કર્યા હતા. મહિલાઓએ રોષભેર જણાવ્યું હતું કે અમે આ અંગે પાલિકામાં અનેકવાર રજૂઆત કરી છે, અત્યારે કારમી ગરમીમાં પાણીની કટોકટી તો કેમ ચલાવી લેવાય? પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ અમારી રજૂઆતો ધ્યાને લેવાને બદલે અભેરાઇએ ચડાવી દીધી છે.
ધોરાજીના રાવલ ફળિયા વિસ્તારના સ્થાનીક રહિશોએ જણાવ્યું હતું કે અહીં અમારે પીવાના પાણી મેળવવાં માટે ભારે હાલાકી ભોગવવી પડે છે. અમારે પીવાના પાણી માટે દૂર દૂર સુધી ભટકવું પડી રહ્યું છે. પાલિકા તંત્રને અનેક વાર રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ પણ નિરાકરણ ન લાવતું હોવાનું સ્થાનિકો એ આક્ષેપ કર્યો હતો.
પંપ રિપેર કરાવી આપો કે લાઇન ચાલુ કરી આપો
મહિલાઓનું કહેવું છે કે પાલિકા દ્વારા પાણીની નવી લાઈન નાખી છે પરંતુ હજુ પાણી નથી આવ્યુ. વર્ષ 2014માં ધારાસભ્ય રાદડીયાએ બે લાખના ખર્ચે સબમર્સિબલ અને ટાંકો બનાવી આપ્યો હતો, જે ટેકનિકલ ખામીને કારણે ચાર વર્ષથી બંધ છે. જો આ સબમર્સિબલને રિપેર થાય કે નવી લાઇન ચાલુ કરી દેવાઇ તો સમસ્યાનું નિરાકરણ આવે.
અમને ફરિયાદ મળી છે, તાકીદે ઉકેલ લવાશે
ધોરાજીના કોઈ પણ વિસ્તારમાં પાણી ની સમસ્યા હશે તેનું નિરાકરણ લાવવા માટે સ્ટાફને સૂચના આપી દેવામાં આવી છે, પાણી વિતરણ વ્યવસ્થાની નિયમિતતા જાળવી જ રખાશે. અમને રાવલ ફળિયા વિસ્તારની ફરિયાદ મળી છે અને આ સમસ્યા હલ કરવા તાકીદ કરી દેવાઇ છે અને પાણીની સમસ્યાનું નિરાકરણ આવે માટે પાલિકા તંત્ર સજ્જ છે. - ચારૂબેન મોરી, ચીફ ઓફિસર,ધોરાજી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.