પરેશાની:પાણી વિતરણમાં ધોરાજી પાલિકા નિષ્ફળ, ક્યાંક રોજ તો ક્યાંક 5 દિવસે પાણી અપાય!

ધોરાજી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મિલકત વેરો લેવાનું બંધ કરાતાં આવાસ યોજનાના લાભાર્થીઓને પરેશાની વધી
  • ધોરાજી શહેર ભાજપ પ્રમુખનું પાલિકાના ચીફ ઓફિસરને આક્રમક આવેદન

ધોરાજીમાં પાલિકા પાણી વિતરણ વ્યવસ્થા જાળવવામાં નાકામિયાબ રહી હોય તેમ અમુક વોર્ડમાં દરરોજ તો અમુક વોર્ડમાં ચાર કે પાંચ દિવસે પાણી વિતરણ થઇ રહ્યું છે, તો બીજી તરફ પાલિકાએ મિલકત વેરો લેવાનું થોડા સમયથી બંધ કરતાં આવાસ યોજનાના લાભાર્થીઓને પરેશાની થઇ રહી હોવા સહિતના મુદે શહેર ભાજપ પ્રમુખે ચીફ ઓફિસર સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી યોગ્ય ઉકેલ લાવવા માગણી કરી છે. ધોરાજી શહેર ભાજપના આગેવાને મુખ્ય અધિકારીને સંબોધન કરીને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં શહેરના મહત્વના પ્રશ્નોને વાચા આપવા બાબતે ખાસ ભાર મૂક્યો હતો.

સત્તાધિશોની અણઆવડતને કારણે પ્રજા પરેશાન થઇ રહી છે તે બાબતના આક્ષેપો વિનુભાઇ માથુકિયાએ કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે હાલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મિલકત વેરામાં મળતા લાભોથી ધોરાજીનાં શહેરીજનો વંચિત છે. મિલકત વેરો ભરનારને જે લાભ મળવા પાત્ર છે તે મળતા નથી, કારણ કે હાલ ધોરાજી નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી મિલકત વેરો લેવાનું બંધ છે. અને આવાસ યોજનાનો લાભ મેળવવા માંગતા લોકો જે નાના પ્લોટ લઈ અને સરકાર દ્વારા જે યોજના હેઠળ જે ૩ લાખ ૫૦ હજાર રૂ. ની સહાય મળે છે તેવા લોકો પણ અત્યારે પરેશાન છે.

કારણ કે નગર પાલિકા દ્વારા મિલકત નામે કરવાનું પણ હાલ બંધ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે શહેર પ્રજાજનોને ફોફળ ભાદર -૨ તથા નર્મદાના પાણી આપવામાં આવે છે, છતાં અમુક વોર્ડમાં દરરોજ પાણી, અમુક વોર્ડમાં એક દિવસે અને અમુક વોર્ડમાં ૫ થી ૬ દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે, પુષ્કળ પાણીનો જથ્થો હોવા છતાં નગરપાલિકાનાં બેદરકારી ભર્યા આયોજનને હિસાબે હાલ ઉનાળાનાં સમયમાં પાણીનો બોકાસો બોલી જાય છે.

અનેક વખત રજૂઆત કરવા છતાં આ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી. આ ઉપરાંત સ્ટેશન રોડ તથા ત્રણ દરવાજાથી શાકમાર્કેટથી અવેડા ચોક સુધીના રોડની હાલત અત્યારે ખૂબજ ખરાબ છે. પાલિકાના સતાધીશોના સંકલનના અભાવે શહેરીજનોની પ્રાથમિક સુવિધાનાં કામો થતો નથી જેથી પ્રજાજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છેે.

અન્ય સમાચારો પણ છે...