કોરોના સંક્રમણ:ધોરાજી બન્યું હોટસ્પોટ- એક જ દિવસમાં 15 કેસ કોરોના પોઝિટિવ, કુલ આંક @54

ધોરાજીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોરાજીમાં કોરોના પોઝિટિવ કેસમાં ઓચિંતો જ વધારો થયો છે અને  એક જ દિવસ માં 15 પોઝિટિવ કેસ આવતા કુલ આંક 54 થયો છે. જેના પગલે નગરજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ધોરાજીમાં શનીવારે શહેરના જૂદા જૂદા વિસ્તારો જેમાં  15 કેસમાં ધોરાજી બ્રહ્મસમાજ પાસે 50 વર્ષીય પુરુષ, આનંદનગરમાં 35 વર્ષીય પુરુષ,તાલુકા હેલ્થ ઓફીસ પાસે 50 વર્ષીય પુરુષ, અવેડા ચોક લેન પાસે 18 વર્ષીય યુવાન તેમજ 30 વર્ષીય મહિલા,માતાવડી વિસ્તારમાં 47 વર્ષીય પુરુષ અને 26 વર્ષીય યુવાન અને 56 વર્ષીય આધેડ, કુંભારવાડામાં 35 વર્ષીય યુવક, અવેડાચોક પાસે 50 વર્ષીય આધેડ, સેફાયર પાર્કમાં 41 વર્ષીય યુવાન, જેતપુર રોડ પર 70 વર્ષીય વૃદ્ધ, ફરેણી રોડ પર 20 વર્ષીય યુવતી,કંસારા ચોક પાસે 31 વર્ષીય મહિલા અને તોરણીયાના 45 વર્ષીય પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે.

અત્યારે સ્ટેજ 2 છે, લોકલ સંક્રમણ વધ્યું
હાલ સ્ટેજ ટુનો તબક્કો ચાલી રહ્યો છે. લોકલ સંક્રમણ વધી રહ્યું હોવાથી વધારેમાં વધારે કોરોના રિપોર્ટ થાય અને કોરોના પોઝિટિવ હોસ્પિટલાઈઝ થાય તેમજ અન્ય સંપર્કમાં આવેલા હોમ ક્વોરોન્ટાઇન કરવા પડે.શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, નગરજનો તકેદારી નહી રાખે તો વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવશે તેમાં બે મત નથી.કોન્ટેક્ટ સંક્રમણ વધવાની પણ ભીતિ છે. નગરજનોએ બીન જરૂરી ઘરની બહાર ન નિકળવું,સાબુથી વારંવાર હાથ ધોવા,માસ્ક પહેરવા.> ડો પી.એમ વાછાણી, બ્લોક હેલ્થ ઓફીસર

અમારા મન સતત ઉચાટ અનુભવે છે
કોરાના મહામારીથી તંગ આવી ગયા છીએ, તંત્ર વાહકોએ શહેરમા વધતું સંક્રમણ અટકાવવા નક્કર પગલાં ભરવા જોઈએ. અમે સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છીએ. ક્યારે કોણ સંક્રમિત બની જશે એ ચિંતા કોરી ખાય છે. આરોગ્ય કર્મચારીઓને ટેસ્ટ વધારવા જ જોઇએ. > રામજીભાઈ વધેરા,માવજી ભાઈ, સ્થાનિક રહીશો

દંડ ભરવાનો શોખ ન રાખો, માસ્ક પહેરો
ઘર બહાર બિનજરૂરી ન નિકળો, અને માસ્ક વગર તો હરગિજ નહીં જ. અમે માસ્ક વગર નીકળનારને દંડ કરીએ, તો નગરજનો પોતાની સલામતી વિચારે, દંડ ભરવાની હોંશ શું કામ રાખવી? > વિજય જોશી,  પીઆઇ.

અમે તંત્રને પૂરતો સહયોગ આપીશું
શહેરમાં જે રીતે કેસ વધી રહ્યા છે તેને અટકાવવામાં અમે પૂરતો સહયોગ આપીશું અને નાયબ કલેક્ટરને પણ રજૂઆત કરાશે. અમે વેપારીઓનું સતત સમર્થન છે. > લલિત વોરા, વેપાર મહામંડળના પ્રમુખ

બે તબીબનો પણ સમાવેશ
ધોરાજીમાં શનીવારે આવેલા 15 પોઝિટિવ કેસમાં વધુ બે તબીબો અને એક મેડિકલના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિ પણ કોરોનાની ઝપેટમાં આવી જતાં તંત્રની ચિંતા વધી છે.

સાવચેતી એ જ સલામતી 
ધોરાજીના નાયબ કલેક્ટર જી. વી. મીયાણી,મામલતદાર કે. ટી. જોલાપરા એ જણાવ્યું હતું કે પોઝિટિવ કેસ વધી રહયા છે ત્યારે સાવચેતી એ જ સલામતી છે. માસ્ક પહેરવા, હાથ સેનેટાઈઝ કરવા, સોશીયલ ડિસ્ટન્સની અમલવારી કરવી હવે અત્યંત અાવશ્યક છે.

અન્ય સમાચારો પણ છે...