જાળવણીનો અભાવે:ધોરાજીની ઐતિહાસિક વિરાસત દરબારગઢના રિનોવેશનની માંગ

ધોરાજી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 17મી સદીમાં નિર્મિત દરબારગઢ મહેલ યોગ્ય જાળવણીના અભાવે જર્જરિત હાલતમાં

ધોરાજીમાં 17મી સદીમાં નિર્માણ પામેલા ઐતિહાસિક અને જૂના દરબારગઢ મહેલનું રિનોવેશન અને યોગ્ય જાળવણી કરવાની લોક માંગ ઉઠવા પામી છે. ગોંડલના રાજવી ભાકુંભાજીએ 17મી સદીના ઉતરાર્ધમાં આ બે મજલાનો મહેલ બંધાવ્યો હતો. જેમાં પથ્થરના મોરાના ભાગે જોવા મળતી સુંદર કોતરણી ખાસ કરીને ઝરુખા અને બારીઓના અલંકાર આ મહેલની નોંધપાત્ર કૃતિઓ છે. નેવાની ઉપર સિંહ અને હાથી જેવા પ્રાણીઓના અદ્ભૂત શિલ્પો આવેલા છે. મહેલના ભોંયતળીયાના ખૂણાઓમાં દંડધારી દ્વારપાળની કૃતિઓ આકર્ષણ જમાવે છે.

આ સ્થળે એ જમાનામાં દરબાર ભરાતો હોવાથી દરબારગઢ કહેવાતો હતો. બાદમાં સર ભગવતસિંહજીએ દરબારગઢનું રીનોવેશન કરાવ્યું અને મહેલ તરીકે ઉપયોગમાં લેવાતો થયો તેથી તેને દરબાર ગઢ મહેલ તરીકે ઓળખાણ મળી. આ દરબાર મહેલને જોવા દેશ વિદેશથી લોકો આવે છે. આ મહેલને રક્ષિત જાહેર કરવામાં આવેલ છે. પરંતુ ઐતિહાસિક વારસાની યોગ્ય જાળવણી થતી ન હોવાની રાવ ઉઠી છે. તંત્ર વાહકો દ્વારા આ દરબારગઢ મહેલને રીનોવેશન નહી કરાતા ઐતિહાસિક વારસા સમાન મહેલને ભારે નૂકશાન થઈ રહ્યું છે.

જો સમય રહેતા આ દરબારગઢની મરામત કે જાળવણી નહીં કરવામાં આવે તો નજીકના સમયમાં મહેલ ધરાશાયી થવાની પૂરી શક્યતાઓ રહેલી છે. પરીણામે આવનારી પેઢી આવા બેનમુન ઐતિહાસિક વારસાથી તદન અજાણ રહેશે. પરીણામે તંત્ર વાહકો દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવે અને ઇતિહાસને ધરાશાયી થતો બચાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...