રોષ:ધોરાજીમાં બિસ્માર રોડ મુદ્દે વેપારીઓનો ચક્કાજામ

ધોરાજી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અત્યંત બિસ્માર બની ગયેલા રસ્તા મુદ્દે વેપારીઓની ધીરજ ખૂટતાં રોડ પર ઉતરી આવ્યા હતા. - Divya Bhaskar
અત્યંત બિસ્માર બની ગયેલા રસ્તા મુદ્દે વેપારીઓની ધીરજ ખૂટતાં રોડ પર ઉતરી આવ્યા હતા.
  • માર્ગ અને મકાન હસ્તકના જેતપુર રોડની હાલત બદતર બની છતાં તંત્રના મૌનથી લોકો રસ્તા પર ઉતર્યા
  • ખાડા ટેકરાથી શોભતા રોડ પર ચક્કાજામથી મામલો તંગ બન્યો, પોલીસની દરમિયાનગીરીથી મામલો થાળે
  • ચાલી પણ ન શકાય તેના પર વાહન કેવી રીતે હંકારવું? મોટો સવાલ

ધોરાજીના જેતપુર રોડની બદથી બદતર હાલત બની જતાં અને તેના પર વાહન ચલાવવું તો ઠીક, ચાલીને પસાર થવામાં પણ નાકે દમ આવી જતો હોઇ સ્થાનિકો અને વેપારીઓની ધીરજ ખૂટી પડી હતી અને વારંવારની રજૂઆતો છતાં આ અંગે કોઇ નક્કર કામગીરી ન થતાં આજે સોમવારે વેપારીઓએ સ્થાનિકો સાથે મળીને સવારમાં કામકાજના કલાકોમાં ચક્કાજામ કરી દીધો હતો અને આ અંગે સંબંધિત તંત્રને ઢંઢોળવાની કોશિશ કરી હતી.

ધોરાજી શહેરમાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકનો જેતપુર રોડ બિસ્માર બની જતાં નબળા રોડ રસ્તાથી કંટાળીને જેતપુર રોડ પરના સ્થાનિક રહીશોએ ચક્કાજામ આંદોલન શરૂ કરીને રોષ વ્યક્ત કર્યો છે. બિસ્માર રસ્તા મામલે લોકોએ ચક્કાજામ કરતાં રોડની બન્ને તરફ વાહનોની લાઇન લાગી ગઇ હતી અને વાહનોના થપ્પા સર્જાઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પી.આઇ. જે. બી. કરમુર અને પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો અને વેપારીઓને તેમજ સ્થાનિક લોકોને સમજાવટ કરી મામલો થાળે પાડયો હતો.

આ અંગે સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે ધોરાજી શહેરમાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના જેતપુર રોડ, જુનાગઢ રોડ, અને ઉપલેટા રોડની હાલત અત્યંત બિસ્માર બની જવા પામી છે. સ્થાનિક સ્તરે તો રજૂઆત કરવાથી કોઇ ફાયદો થાય તેમ નથી કેમકે આ રસ્તા પાલિકા હસ્તક નહીં, માર્ગ અને મકાન વિભાગ હસ્તક આવે છે અને શહેરમાંથી પસાર થતા હોવાથી સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. સંબંધિત તંત્ર વાહકો દ્વારા બિસ્માર રોડની સમસ્યાનો તાકીદે હલ લાવવામાં આવે તેવી વેપારીઓએ માગણી કરી છે.