સમસ્યા હલ કરવા માગ:ધોરાજીમાં જાહેર ચોકમાં પશુઓની પરિષદ, વાહનચાલકોને પરેશાની

ધોરાજી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોખ્ખાઇ જોઇ માર્ગો પર જ અડિંગો જમાવતા પશુઓની સમસ્યા હલ કરવા માંગ

ધોરાજીમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યાના લીધે ગંદકી ચારેકોર ફેલાયેલી રહેતી હોઇ પશુઓ ચોખ્ખાઇ જોઇને જાહેર ચોકમાં જ અડીંગો જમાવીને બેસી જતા હોવાથી વાહનચાલકોને પરેશાની થઇ રહી છે અને બીજી તરફ રાહદારીઓ પણ ત્યાંથી પસાર થતી વખતે ફીકરમાં રહે છે કે ક્યારે ક્યું પશુ આવી જશે અને હડફેટે ચડાવી લેશે! આથી તંત્ર આ સમસ્યાનો ઉકેલ લાવે તેવી માગણી ઉઠી છે.

ધોરાજી શહેરમાં રખડતા ભટકતા પશુઓનો અસહ્ય ત્રાસ છે ત્યારે તંત્ર વાહકો દ્વારા નક્કર કાર્યવાહી નહી કરાતા લોકોમા રોષ વ્યાપી ગયો છે.ધોરાજીના નગરજનોએ જણાવ્યું હતું કે શહેરમા રખડતાં પશુની સમસ્યા વધી રહી છે, આ અંગે વારંવાર રજૂઆતો કરાતી હોવા છતાં તંત્ર વાહકો દ્વારા કોઇ જ નક્કર કાર્યવાહી કરાતી નથી.

શહેરના ગેલેક્સી ચોક, આઝાદ ચોક તેમજ સ્ટેશન રોડ સહિત શહેરના મોટા ભાગના વિસ્તારોમાં અને સોસાયટીઓમાં રખડતા પશુનો ત્રાસ વધ્યો છે. આખલાઓના યુદ્ધમાં સામાન્ય નાગરિકોને સહન કરવાનો વારો આવે છે. ક્યારેક કોઈને સામાન્ય નાની મોટી ઈજા તો ક્યારેક વાહનોને પણ નુકસાન થાય છે. આ સમસ્યામાંથી પાલિકા તંત્ર લોકોને છોડાવે અને પશુઓને ઢોર ડબ્બામાં પુરે તેવી માગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...