લોકોમા રોષ:ધોરાજીના રામપરામાં રસ્તા સહિતના પ્રશ્ને વસોયા વિરુદ્ધ બેનર પ્રદર્શન

ધોરાજી7 મહિનો પહેલા
  • કૉપી લિંક
રામપરા વિસ્તારના લોકો - Divya Bhaskar
રામપરા વિસ્તારના લોકો
  • વચનો આપી વસોયા ગુમ, પ્રજા ત્રસ્ત અને MLA ફરવામાં વ્યસ્ત
  • પાણી, ભૂગર્ભ, સ્ટ્રીટલાઇટ સહિતના મુદે લોકો વિફર્યા

ધોરાજીના રામપરા વિસ્તારમાં રોડ, રસ્તા સહિતની અનેક અસુવિધાઓ અને અણઉકેલ પ્રશ્નો મામલે લોકોની ધીરજ ખૂટી પડી છે અને વિસ્તારમાં ઠેર ઠેર વિકાસના વચનો આપી વસોયા ગૂમ, રામપરાની પ્રજા ત્રસ્ત અને ધારાસભ્ય ફરવામાં વ્યસ્ત તેવા બેનર્સ લટકાવીને અનોખો વિરોધ વ્યક્ત કરીને તંત્રને તેમજ વચનો આપીને ભૂલી જતા નેતાઓને ઢંઢોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ધારાસભ્ય વિરોધી બેનર
ધારાસભ્ય વિરોધી બેનર

ધોરાજીના રામપરા વિસ્તારમાં રોડ, રસ્તા પાણી ,ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ, સફાઈ સહિતના પ્રશ્ને અનેકાનેક રજૂઆતો કાને ન ધરાતાં આ વિસ્તારનાં રહીશોએ રામપરામાં જાહેરમાં ધારાસભ્ય વિરૂધ્ધ બેનર લગાડીને રોષ ઠાલવ્યો છે.

આ અંગે સ્થાનીક રહીશોએ જણાવ્યું હતું કે ધોરાજીના રામપરા વિસ્તારના રોડ રસ્તા,ભૂગભ ગટર, પાણી, સ્ટ્રીટ લાઈટ સફાઈ પ્રશ્ને જિલ્લા કલેકટર, ડેપ્યુટી કલેકટર ,ચીફ ઓફિસર ધારાસભ્ય વિગેરે રજૂઆત સાથે આવેદનપત્ર આપવા છતાં સમસ્યાનો ઉકેલ નહી આવતાં અંતે વિસ્તારના લોકોએ ધારાસભ્ય વિરોધી બેનર લગાવી જાહેરમાં પોતાની લાગણી અને આક્રોશ ઠાલવ્યો છે.

ધારાસભ્ય વિરોધી બેનર
ધારાસભ્ય વિરોધી બેનર

રામપરા વિસ્તારમાં છેલ્લા પાંચ દાયકાથી રોડ રસ્તા બન્યા નથી.ત્યારે રહીશોએ આ રીતે અનોખો વિરોધ નોંધાવી તંત્રનું ધ્યાન દોરવાનો અને ધારાસભ્યને તેમની જવાબદારી અને ફરજ યાદ દેવડાવવાનો પ્રયત્ન કર્યો છે. ધોરાજીનો આ વિસ્તાર છેલ્લા ઘણા સમયથી અસુવિધાઓનો સામનો કરી રહ્યો છે અને દર વખતે ચૂંટણી સમયે નેતાઓ આવીને વચનોની લહાણી કરીને નિકળી જતા હોવાની અને બાદમાં તંત્ર અને નેતાઓ કોઇ ધ્યાન ન આપતા હોવાની લોકોનો બળાપો રહ્યો છે. જે આ વખતે બેનર્સ થકી છલકાઇ રહ્યો છે.

જોવાની ખૂબી એ છે કે જ્યારે જ્યારે ચૂંટણી નજીક આવે ત્યારે નેતાઓ અને આગેવાનોને લોકો, પ્રજા યાદ આવે છે અને તે વખતે તો હથેળીમાં ચાંદ બતાવવામાં પણ કોઇ મણા રાખવામાં આવતી નથી અને જેવી ચૂંટણી પૂરી થઇ જાય પછી નેતાઓ, આગેવાનો જાણે ઓળખવાનો પણ ઇન્કાર કરી દેતા હોય છે. પાલિકાના સતાધિશો પણ દાદ દેતા નથી.

આથી ધોરાજીના રામપરા વિસ્તારના રહીશોએ જેમને ખોબલે ખોબલે મત આપીને જીતાડેલા ધારાસભ્યને સંબોધીને તૈયાર કરેલા બેનર્સ ઠેર ઠેર લગાડીને તેમને પોતાની નૈતિકતા અને જવાબદારી યાદ અપાવી છે. આ વિસ્તારના લોકોએ આક્રોશસાથે જણાવ્યું હતું કે અમે 21મી સદીમાં નહીં પરંતુ જાણે 18મી સદીમાં જીવતા હોઇએ તેવી અનુભૂતિ અમને થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...