ધોરાજીની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટએ સગીરા પર બળજબરીપૂર્વક બદકામ કરનાર આરોપી ઈકબાલ હબીબ કાલીયા મેમણ ઉર્ફે જાદુગરને આજીવન કેદની સજા ફટકારી હતી. આરોપીએ તેની પત્ની સાથે આશ્રિત તરીકે આવેલી સગીર સાળીની મરજી વિરુધ્ધ વારંવાર દેહસંબંધ બાંધ્યો હતો જે કેસ ચાલી જતાં અદાલતે આ ચુકાદો આપ્યો હતો.
ધોરાજી કોર્ટના સરકારી વકીલ કાર્તિકભાઈ પારેખે જણાવ્યું હતું કે સગીરાના પિતા મૂળ બિહારના વતની હતા, અને તેમને બે પત્ની તથા સાત બાળક હતા. આર્થિક ભારણ સહન ન થતા તેમણે પોતાની એક પુત્રીને આરોપી ઈકબાલ હબીબ સાથે પરણાવી દીધી હતી અને તેમની સાથે તેની એક બહેન કે જે સગીરા હતી તેને મોકલી હતી. આરોપી ઈકબાલ હબીબ સગીરા સાથે વારંવાર તેની મરજી વિરુધ્ધ દેહ સંબંધ બાંધતો અને જો તાબે ન થાય તો છરી બતાવી દુષ્કર્મ કરતો હતો. હદ તો ત્યારે આવી કે સગીરને ગર્ભ રહી જાય તો તેની દવાઓ ખવડાવીને તેનો ગર્ભપાત કરાવી દેતો.
આ સિલસિલો સતત ચાલુ રહેતાં સામાજિક કાર્યકર્તા અને પાડોશી બહેનના ધ્યાનમાં આ હકિકત આવતા તેમણે બાળકીના પિતાને બોલાવી અને પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી અને આરોપી ઈકબાલ હબીબ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 4 જુલાઈ 2020 ના અરસામાં ઈકબાલ હબીબની ધરપકડ કરી હતી અને તે જેલમાં હતો.
આરોપી સામે અગાઉ સુરેન્દ્રનગર કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને તેમાં હાલના આરોપીને સજા ફરમાવેલી હતી. તે સજા આરોપીએ ભોગવી પણ હતી. આ કેસમાં પણ અદાલતે આરોપીના ગુના જઘન્ય ગણી વકીલની દલીલ માન્ય રાખી હતી અનેએડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ રાહુલ કુમાર એમ શર્માએ આરોપી ઈકબાલ હબીબ કાલીયાને ગુનેગાર ઠેરાવી આજીવન કેદની સજા ફટકારી હતી. તેમજ રૂપિયા 25000 દંડ ફરમાવ્યો હતો. અને ભોગ બનનારને પોતાનું જીવન પુનઃસ્થાપન કરવા માટે ₹12 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ આપવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.