જન આરોગ્યને પ્રાથમિકતા:ધોરાજીના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે રસીકરણ ઝુંબેશ શરૂ કરાઇ

ધોરાજી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
લોકોના ઘરે-ઘરે જઇ રસી લેવા સમજાવટ. - Divya Bhaskar
લોકોના ઘરે-ઘરે જઇ રસી લેવા સમજાવટ.
  • આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર રસીકરણ અભિયાનનો પ્રારંભ

ધોરાજી શહેર વિસ્તારમાં કોરોનાનું રસીકરણ ઓછું થયું હોવાની વિગતો સાંપડતા આરોગ્ય વિભાગે સફાળા જાગીને લઘુમતિ વિસ્તારોમાં સમજાવટ સાથે રસીકરણ શરૂ કર્યું છે તો બીજી તરફ વહીવટી તંત્ર પણ એક્શન મોડમાં છે અને વેક્સિનેશનને ઝડપી બનાવવા આકાશ પાતાળ એક કરી રહ્યા છે. શહેરના સંવદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત સાથે રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

ધોરાજીમાં લઘુમતિ વિસ્તારોમાં ઓછું કોરોના રસીકરણ થતાં જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબૂ તથા જિલ્લા વિકાસ અધિકારી દેવ ચોધરી સહિતના ઉચ્ચ અધિકારીઓની ટીમ ધોરાજીના લઘુમતી વિસ્તાર ખાતે દોડી ગઇ હતી અને મુસ્લીમ સમાજના આગેવાનોને કોરોના રસીકરણ અંગે માર્ગદર્શન આપીને રસીકરણ ઝુંબેશ વેગવંતી બનાવવા ચર્ચાઓ કરાઈ હતી. ધોરાજીમાં કોરોના રસીકરણ ઝુંબેશમાં ઝડપ અને ગતિ લાવવા આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર રસીકરણ અભિયાન શરૂ કરાયું છે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમ સાથે પોલીસ સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને લોકોને સમજાવવામાં આવી રહ્યા છે.

આ અંગે ધોરાજીના બ્લોક હેલથ ઓફિસર ડો. વાછાણીએ જણાવ્યું હતું ધોરાજી શહેરમા કોરોના રસીકરણ માટેની ડોર ટુ ડોર વેક્સિનેશનની કામગીરી શરૂ કરાઈ છે. જેમા આરોગ્ય વિભાગની 22 જેટલી ટીમ કાર્યરત કરવામાં આવી છે. આરોગ્ય વિભાગના 50થી વધારે કર્મી તેમજ ધોરાજી નગરપાલિકાના સહયોગથી વેક્સિનેશનની કામગીરી થઇ રહી છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ વિભાગના કર્મીઓને પણ સાથે રાખવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે ધોરાજી શહેરમાં ખાસ કરીને લઘુમતી સમાજના વિસ્તારોમાં વેક્સિનેશન ની ટકાવારી ઓછી રહી હોવાથી આરોગ્ય વિભાગ અને સરકારી તંત્ર દ્વારા સો ટકા રસીકરણ થાય તે માટે ખાસ ઝુંબેશ શરૂ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...