ઉનાળુ વાવેતરનો સમય થઇ ગયો છે અને બીજી તરફ ડેમમાં પણ ઓણસાલ સારા વરસાદના લીધે જળસંગ્રહ પુષ્કળ થયો છે ત્યારે ભાદર 1 ડેમમાંથી પંથકના ખેડૂતો માટે સિંચાઇ માટે છઠ્ઠું પાણ આપવામાં આવતાં ખેડૂતોમાં ખુશી છવાઇ છે. આ પાણ છોડવાનો નિર્ણય લેવાતાં આસપાસના 25 ગામના ખેડૂતોને લાભ થશે અને સમયસર કિસાનો પાક લઇ શકશે.
ભાદર 1 ડેમ માંથી ખેડૂતોને સિંચાઈ માટે છઠ્ઠું પાણ આપવામાં આવ્યું છે જેનાથી ધોરાજી પંથકના કેનાલ આધારિત ખેત સિંચાઈ કરતા ખેડૂતોને લાભ મળશે. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ડેમ ભાદર એક ડેમમાંથી ખેડૂતો માટે ખેત સિંચાઈ અર્થે ભાદર સિંચાઈ વિભાગ દ્વારા છઠ્ઠું પાણ છોડવામાં આવ્યું છે. જેનાથી ધોરાજી સહિત આસપાસના કુલ 25 જેટલા ગામોની જમીનને આ પિયતનો લાભ મળશે.
ભાદર ડેમના સિંચાઈ યોજનાના નાયબ કાર્યપાલક ઇજનેર એમ વી મોવલિયાએ જણાવ્યું હતું કે 150 ક્યુસેક પાણી કેનાલ મારફતે છોડવામાં આવ્યું છે. સિંચાઈ માટે કુલ છ પાણ આપવા માટે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં અગાઉ ખેત સિંચાઈ અર્થે પાંચ પાણ છોડવામાં આવ્યા હતા. હાલ છઠ્ઠું પાણ આપવામાં આવી રહ્યું છે અંદાજે 8500 હેક્ટર જમીનને પિયતનો લાભ મળશે. ભાદર સિંચાઇ યોજના મારફતે ભાદર કેનાલમાં પિયત માટે પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીની લાગણી ફરી વળી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.