પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના નાનકડા એવા આદિત્યાણા ગામે વ્યાજખોરોએ કાળો કેર વર્તાવી રહેલ હોય આવા વ્યાજખોરો સામે પગલાં લેવા માટે આદિત્યાણાના સામાજિક કાર્યકરે ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે.
રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામના સામાજિક કાર્યકર તથા પ્રેસ રિપોર્ટર પ્રકાશ ભીખુભાઈ પંડિત દ્વારા ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને રજૂઆત કરી છે કે છેલ્લા બે વર્ષથી કોરોનાકાળના કારણે ધંધા રોજગાર ઘટી ગયા હોય અને નાનો વર્ગ અમુક પ્રસંગો સાચવવા તથા પરિવારના આરોગ્યની દવાઓ માટે ના છૂટકે વ્યાજખોરો પાસેથી પોતાની મિલકત દાગીના વાહનો મૂકી ઉંચા વ્યાજે પૈસા લે છે. આ વ્યાજખોરો તેમની પાસેથી 5%, 10% અને 25% જેવી રકમ વ્યાજ તરીકે મહિને ઉઘરાવે છે.
અને આ વ્યાજ કોરોનો ખોફ એટલો હોય છે કે મજૂર વર્ગ તેની સામે ફફડે છે. પોલીસે રાણાવાવ ખાતે લોકદરબાર યોજેલો હતો જેમાં વ્યાજખોરો સામે એકપણ ફરિયાદ કરવામાં આવેલ નથી કારણ કે વ્યાજખોરોનો ખોફ એટલો હોય છે કે પોલીસ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખશું. એટલે જો પોલીસને આ વ્યાજખોરો સામે પગલાં ભરવા હોય તો પહેલા તો પોલીસને આ અંગે માહિતી મેળવવી પડે અને વ્યાજખોરીનો ધંધો કોણ કોણ કરે છે.
તે જાણ્યા બાદ આવા વ્યાજખોરો ને શોધી તેની જાહેરમાં સરભરા કરવી પડે તો જ નાના મજુર વર્ગની હિંમત ચાલશે અને આવા વ્યાજખોરો સામે ફરિયાદ કરી શકશે. આ ઉપરાંત પ્રકાશભાઈ પંડિતે જણાવ્યું હતું કે વ્યાજખોરીનું મૂળ ગામેગામ જે કોમ્પ્યુટર ઉપર જુગારના હાટડા ફુલેલ છે તેને બંધ કરાવા પડશે. પોરબંદર જિલ્લામાં ગામ ખુલેઆમ દુકાનોમાં કોમ્પ્યુટર ઉપર જુગાર રમાડવામાં આવે છે. આ જુગારમાં મજુર વર્ગ અને યુવાનો ફસાઈ જાય છે અને કોમ્પ્યુટરના જાદુથી રમનાર ક્યારેય જીતતો જ નથી અને બાદમાં વ્યાજના વીષચક્રમાં ફસાઈ જાય છે. કોમ્પ્યુટર પરનો રમતો જુગાર ચકલા પોપટ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે જે પોલીસની મીઠી નજર હેઠળ હાઇકોર્ટના ચુકાદાની આડ હેઠળ ચાલે છે.
હાઇકોર્ટના ચુકાદા મુજબ આ કોમ્પ્યુટર ઉપર કોઈન(સિક્કા) થી રમવાનું હોય છે જ્યારે આ આંકડાઓમાં તો ખુલ્લેઆમ રૂપિયાની લેવડ-દેવડ થતી હોય છે અને હાઇકોર્ટના ચુકાદાનો ખોટું અર્થઘટન કરવામાં આવે છે. આથી પોલીસ જો ખરેખર પ્રજાને વ્યાજખોરના વિષચક્રમાંથી છોડાવવા હોય તો આ કોમ્પ્યુટર રમતો જુગાર અટકાવવો પડશે અને વ્યાજખોરો સામે કડકાઇથી કામ ચલાવવું પડશે તો જ મજૂર વર્ગ આ શોષણમાંથી બહાર નીકળી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.