પોરબંદરમાં ઝોન કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન અને એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે. છાત્રો અને શિક્ષકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી છે. જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત અને રાંબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર આયોજિત ઝોન કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન અને જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ પોરબંદર ખાતે યોજાયો છે. આજે સોમવારે આ ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે. અને આવતીકાલે મંગળવાર સુધી આ પ્રદર્શન ચાલુ રહેશે.
બાળકોમાં રહેલ વૈજ્ઞાનિક અભિગમ અને સુસુપ્ત શક્તિઓ ખીલે તે માટે ઝોન કક્ષાનો ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન અને શાળામાં કાર્યરત શિક્ષકોના શિક્ષણમાં નાવીન્ય સાથે પોતે કરેલ વિશિષ્ટ કામગીરીનું આદાન પ્રદાન થઈ શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઝોન કક્ષાના પ્રદર્શનમાં 6 જિલ્લાના છાત્રોએ 60 જેટલી કૃતિઓ રજુ કરી છે. જેમાં ટેકનોલોજી એન્ડ ટોયઝ થીમ પર આધારિત છાત્રોએ કૃતિઓ રજૂ કરી છે. તેમના કન્વિનર એમ.વી.વેકરીયા છે, જ્યારે એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ માં પોરબંદર જિલ્લાના સરકારી અને ગ્રાન્ટેડ શાળાના 50 શિક્ષકો દ્વારા કુલ 50 કૃતિ રજુ કરી છે. જેમના કન્વિનર ડો. યુ. ડી.મહેતા છે. તમામ કૃતિઓને શિલ્ડ અને પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કાર આપવામાં આવશે. આમાંથી 5 કૃતિ રાજ્યકક્ષાએ જશે.
છાત્રોએ કેવા પ્રકારની કૃતિ રજૂ કરી
ઝોન કક્ષાના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં છાત્રોએ રોબોટિક ટ્રાન્સપોટર, વાયરલેસ પાવર ટ્રાન્સફર, ઓટોમેટિક પાર્કિંગ સિસ્ટમ અને એક્સિડન્ટ પ્રિવેન્સન સેન્સર આઈડિયા, ગાય આધારિત ખેતી, સ્માર્ટ હોમ, હોમ સિક્યુરિટી વિધાઉટ સીસીટીવી, લીકવિડ સ્પીડ બ્રેકર, સ્માર્ટ ડસ્ટબીન, વજન આધારિત પુલની સલામતી સહિતની કૃતિઓ રજૂ કરી છે.
એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં શિક્ષકોએ રજૂ કરેલ પ્રયોગ
8મો જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં શિક્ષકોએ રંગીન ગણિત, ચાલો રમીએ ભારત જાણીએ, પુનરાવર્તન દ્વારા શિક્ષણ, માસ્ટરજી કા ઝોલા, પ્લાસ્ટિક રૂપી રાક્ષસને નાથીએ અને હરિયાળી પૃથ્વીને બચાવીએ, સ્ટ્રીક દ્વારા સરસ સામાજિક વિજ્ઞાન, પ્રોજેક્ટ કી પાઠશાલા, નાટયીકરણ, સ્ટેજ ફિઅર દૂર કરવો સહિતના નવતર પ્રયોગ રજૂ કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.