પોરબંદર લોકમેળામાં હરાજીની પ્રક્રિયા પારદર્શક કરવા રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ ધર્મેશ પરમારે પ્રાંત અધિકારીને રજુઆત કરતા જણાવ્યું છે કે,પોરબંદર–છાંયા નગરપાલિકા દ્વારા પોરબંદર ચોપાટી મેળા મેદાન ખાતે પાંચ દિવસીય જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. મેળાના આયોજનને લઈને પાલિકા દ્રારા તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે મેળામાં સ્ટોલ,ચકડોળ અને ખાણી-પીણીના ધંધાર્થીઓ માટે દર વર્ષે હરરાજીની પ્રક્રિયા થતી હોય છે. આ વર્ષે યોજાનારા આ લોકમેળામા હરાજીની પ્રક્રિયા પારદર્શક રીતે કરવામાં આવે તેવી માંગ પોરબંદર જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ દ્રારા પ્રાંત અધિકારી સમક્ષ કરવામાં આવી છે.
સમગ્ર કાર્યવાહી સીસીટીવી. કેમેરાની દેખરેખમા થવી જોઈએ તેવી માંગ
ચાલુ વર્ષે યોજાનાર લોકમેળામાં રાઈડસ,સ્ટોલ તેમજ બજાર માટે હરાજીની પ્રક્રિયા થઈ રહી છે,પરંતુ અન્ય વિભાગો માટે બંધ કવરમાં ટેન્ડરીંગ કરવામાં આવી રહયું છે,જેની સામે યુથ કોંગ્રેસ દ્રારા વિરોધ વ્યક્ત કરવામા આવ્યો છે.મેળાની તમામ પ્રક્રિયા હરાજીથી જ થવી જોઈએ અને જો તે શક્ય જ ન હોય તો બંધ કવરની બે નકલ લેવામા આવે જેમા એક પ્રાંત અધિકારીને સંપવામાં આવે તેમજ બંધ કવર સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠણ રાખવામાં આવે અને જયાં સુધી ટેન્ડર પ્રક્રિયા ખુલે નહીં ત્યાં સુધી સમગ્ર કાર્યવાહી સીસીટીવી. કેમેરાની દેખરેખમા થવી જોઈએ તેવી માંગ કરી છે.
યોગ્ય કાર્યવાહી કરવા પોરબંદર પ્રાંત અધિકારીને રજુઆત
પોરબંદર યુથ કોંગ્રેસના પ્રમુખે આશંકા વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે અમોને પુરી શંકા છે કે,બંધ કવરમા થનાર પ્રક્રિયામાં ગડબડ થશે અને તેમા ભ્રષ્ટાચાર પણ આચરવામાં આવશે.જેથી યોગ્ય કાર્યવાહી કરવા પોરબંદર પ્રાંત અધિકારીને રજુઆત કરવામા આવી છે. સાથે જો સમગ્ર મેળાનો વહીવટ પારદર્શક રીતે થશે તો તેની યોગ્ય આવક થશે જે લોકહીત માટે વપરાશે જેથી લોકહીતને ધ્યાનમાં રાખી યોગ્ય કાર્યવાહી કરવામા આવે તો જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.