ગુજરાતમાં મહિલાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 50 ટકા અનામત અને સરકારી નોકરીઓમાં મહિલાઓને 33% અનામત આપવાનું શરૂ કરીને ગુજરાત સરકારે મહિલા સશક્તિકરણ માટે અન્ય રાજ્યોને એ દિશામાં વિચારવા રાહ ચીંધ્યો છે. ગુજરાત સરકારની આ યોજનાથી અનેક મહિલાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં અનામતનો લાભ મળી રહ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા યોજાયેલી પોલીસ ભરતીમાં લોકરક્ષકની પરિક્ષા પાસ કરીને પોરબંદર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મહિલા તાલીમાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે. અહીં તાલીમ મેળવતા તાલીમાર્થી સાધના ડોડીયાએ કહ્યું કે, મારું વતન ગીર સોમનાથ જિલ્લો છે. મહિલાઓને સરકારી નોકરીઓમાં 33 ટકા અનામત યોજનાથી પોલીસ વિભાગમાં જોડાવાનું સ્વપ્ન પૂર્ણ થયું છે. મહિલા ઉત્કર્ષલક્ષી યોજનાથી મારા જેવી અનેક યુવતીઓને સરકારી નોકરીમાં જોડાવાની તક મળી રહે છે. આર્થિક રીતે પગભર થવાથી સ્ત્રીઓ પોતાના નિર્ણયો જાતે લઈ શકે છે. અને સમાજમાં અન્ય મહિલાઓને જીવનના તમામ પડકારોનો સામનો કરવા પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડી શકે છે.
અન્ય લોકરક્ષક તાલીમાર્થી ચેતના સિંગરખીયાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની સર્વ મહિલાઓને શુભેચ્છા પાઠવી કહ્યું કે, પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ફિઝીકલ અને મેન્ટલ હેલ્થની તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત કાયદો, હથિયારની તાલીમ,ગુનો કઈ રીતે પકડવો તેની તાલીમ પણ આપવામાં આવશે. તાલીમ બાદ જ્યારે નોકરીમાં જોડાઇએ ત્યારે મહિલા તરીકે અન્ય મહિલાની સમસ્યાને સારી રીતે સમજી શકીશું અને તેની સમસ્યા દૂર કરવા પૂરા પ્રયાસો કરીશું. નોકરી, વિજ્ઞાન, કલા, ઉદ્યોગ સહિત ક્ષેત્રે સ્ત્રીઓ પુરુષ સમોવડી બનીને અન્ય મહિલાઓને પ્રોત્સાહન પણ પૂરું પાડે છે.
શહેરના ઉદ્યોગ નગર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એન.ઠાકરીયાએ કહ્યું કે, મહિલાઓની સલામતી, રક્ષણ, માર્ગદર્શન માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગ 24 કલાક ફરજબદ્ધ હોય છે. દિવસ દરમિયાન શહેરના જાહેર સ્થળો હોય કે રાત્રિના સમયે નોકરીએથી ઘરે જતી મહિલાઓ સુરક્ષિત રહે તે માટે પોલીસની શી-ટીમ સતત 24 કલાક સેવામાં કાર્યરત હોય છે. આ ઉપરાંત કોલેજો સહિત સ્થળોએ મહિલાઓને મોટીવેશનલ અને કાયદાકીય માર્ગદર્શન આપવાનું કામ પણ શી ટીમ દ્વારા કરવામાં આવે છે. કોઈ પીડિત મહિલા જ્યારે સલામતી અને સુરક્ષા માટે પોલીસ મથકમાં મદદ મેળવવા આવે ત્યારે ફરજ મહિલા પોલીસ કર્મીઓ દ્વારા પીડીતાને યોગ્ય માર્ગદર્શનની સાથે સાથે હૂફ પણ આપવામાં આવતી હોય છે. આમ સમાજમાં મહિલાઓ આર્થિક અને સામાજિક રીતે સ્વ નિર્ભર બને તે માટે રાજ્ય સરકાર ન કેવલ યોજનાકિય લાભો જ આપે છે, પણ સ્ત્રીઓ વૈચારિક રીતે સ્વતંત્ર બની પોતાના નિર્ણયો જાતે લઈ શકે તે માટે સતત સેમિનારો અને શિબીરો પણ યોજવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.