પોરબંદર જીલ્લામાં અકસ્માતો ચીંતાજનક રીતે વધી રહ્યા છે અને છાશવારે બાઇક અકસ્માતના બનાવો પોલીસના ચોપડે નોંધાતા રહે છે. પોરબંદર જિલ્લામાં ગઇકાલે સવારના સમયે એક પીકઅપ વાને બાઇક પર જઇ રહેલા માતા-પુત્રને પાછળથી ઠોકર મારતા બાઇકમાં સવાર માતાનું મોત નિપજયું હતું અને પુત્રને ઇજાઓ પહોંચી હતી.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર જીલ્લાના સોઢાણા-ભોમીયાવદર રોડ પર સોઢાણા ગામની ગૌચર જમીન પાસે ગઇકાલે સવારના સમયે બળવંતસિંહ ઉર્ફે બલવીરસિંહ ઘનશ્યામસિંહ જેઠવા અને તેમના માતા ઉષાબા બાઇક નં. GJ-25-H-4311 લઇને જઇ રહ્યા હતા.
ત્યારે રસ્તાના ખાડાથી બચવા માટે બાઇક ધીમું કરતા પાછળથી આવેલા રહેલા સફેદ કલરના પીકઅપ વાન નં. GJ-04-AW-2356 ના ચાલકે બાઇકને પાછળથી હડફેટે લીધું હતું. જેના કારણે બાઇકમાં સવાર ઉષાબાને ગંભીર ઇજાઓ થતા તેમનું દુ:ખદ મોત નિપજયું હતું તથા બળવંતસિંહને છોલાણ જેવી ઇજાઓ થઇ હતી. આ અંગે બળવંતસિંહે પોલીસમાં ફરિયાદ નોંધાવતા બગવદર પોલીસે પીકઅપ વાનના ચાલક સામે ગુન્હો નોંધીને વધુ તપાસ PSI એ. બી. દેસાઇએ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.