સોલાર રૂફટોપ યોજના:6.84 કરોડની સબસીડી આપી જરૂરિયાતના 2.63 ટકા સોલાર પાવર જનરેટ કરાય છે

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લામાં 2 વર્ષથી અત્યાર સુધીમાં 2389 લોકોએ સોલાર પેનલો વસાવી

વીજળી પેદા કરવાના પરંપરાગત સ્ત્રોતને લીધે વાતાવરણમાં ફેલાતા પ્રદુષણને અટકાવવા ગુજરાતમાં સૂર્યમાંથી વીજળી પેદા કરવા માટે સોલાર રૂફટોપ યોજનાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને સોલાર રૂફટોપ વસાવનાર ને સબસીડી આપવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં પોરબંદર જિલ્લામાં રૂ. 6.84 કરોડની સબસીડી આપી પોરબંદર જિલ્લાની માસિક પાવરની જરૂરિયાતના 2.63 ટકા વીજળી આવી સોલાર યોજનાથી પેદા કરવામાં આવી રહી છે.

પરંપરાગત વીજળીના સ્તોત્રથી ફેલાતું પ્રદુષણ અટકે અને ખનીજ સંપત્તિના વ્યય વિના સૂર્યમાંથી વીજળી મળે તે માટે સરકાર દ્વારા સમગ્ર રાજયમાં સોલાર રૂફટોપ યોજનાને 2 વર્ષથી લાગુ કરવામાં આવી છે. આ યોજનામાં ઘરવપરાશ માટે વીજળીનો ઉપભોગ કરતા ગ્રાહકોને પોતાના ઘરની છત પર સોલાર પેનલ લગાડવા માટે સરકાર દ્વારા 20 થી 40 ટકા જેટલી સબસીડી આપવામાં આવે છે. યોજના અંતર્ગત અત્યાર સુધીમાં પોરબંદર જિલ્લામાં કુલ 2389 લોકોએ કુલ 8776 કીલોવોટ પાવર પેદા કરવા માટે સોલાર પેનલની અરજીઓ કરી છે.

જેમાંથી વર્ષ 2019-20 ની વાત કરીએ તો સરકાર દ્વારા વીજ તંત્રને આ વર્ષમાં પોરબંદર જિલ્લામાં કુલ 3914 સોલાર પેનલના કનેક્શનો આપવાનો લક્ષ્યાંક અપાયો હતો. જેની સામે 834 કનેકશન માટે અરજીઓ આવી હતી તે તમામ અરજીઓ અંતર્ગત સોલાર પેનલ કનેકશન આપવાનું કામ પુરુ કરી દેવામાં આવ્યું હતું અને જેમાંથી 3036 કિલો વોટ સોલાર પાવર પેદા કરવાની ક્ષમતા હાસિંલ કરવામાં આવી હતી. જયારે કે વર્ષ 2020-21 માં પણ સરકાર દ્વારા વીજ તંત્રને 3914 સોલાર પેનલ કનેકશનો આપવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે.

જેની સામે અત્યાર સુધીમાં જિલ્લામાંથી 1555 અરજીઓ 5741 કીલો વોટ સોલાર પાવર પેદા કરવા માટેની આવેલી છે. જેમાંથી 1274 અરજદારોને સોલાર પેનલના કનેક્શનો આપી દેવામાં આવ્યા છે. જેમાંથી 4626 કિલો વોટ સોલાર પાવર હાસિંલ કરવામાં આવી રહ્યો છે. જયારે કે બાકી રહેતા 271 અરજદારોને પણ સોલાર ઉર્જા પેનલના કનેક્શનો આપવાની કામગીરી ચાલી રહી છે. આ યોજના અંતર્ગત ઘર વપરાશ માટે વીજ ગ્રાહકોને સોલાર પેનલ ખરીદવા માટે સબસીડી આપવામાં આવે છે.

જે અંતર્ગત 3 કીલો વોટ સુધી વીજળી ઉત્પન્ન કરવા માંગતા ગ્રાહકોને સોલાર પેનલના કુલ ખર્ચની 40 ટકા રકમ સુધીની સબસીડી સરકાર દ્વારા આપવામાં આવે છે અને 3 કીલો વોટ થી 10 કીલો વોટ સુધી સોલાર પાવર પેદા કરવા માંગતા ગ્રાહકોને 20 ટકા સુધીની સબસીડી સરકાર દ્વારા આપવામાં આવે છે. સરકાર દ્વારા અત્યાર સુધીમાં પોરબંદર જિલ્લામાં સોલાર પેનલથી પાવર પેદા કરવા માટે વર્ષ 2019-20 માં 5.85 લાખ અને વર્ષ 2020-21 માં 671.99 લાખ જેટલી રકમ સબસીડી પેટે ચૂકવવામાં આવી છે.

આમ સરકાર દ્વારા કુલ રૂ. 684.84 લાખની સબસીડી પોરબંદર જિલ્લામાં ચૂકવવામાં આવી છે. આટલી રકમનો સરકાર દ્વારા ખર્ચ કરાયા બાદ સોલાર પેનલથી માસિક 1316400 યુનિટ વીજળી પેદા થાય છે. જે જિલ્લાની માસિક 5 કરોડ યુનિટની જરૂરિયાતના 2.63 ટકા જેટલો થાય છે.

5 વર્ષમાં વીજ ગ્રાહકોનું રોકાણ છુટુ થઇ જાય છે
સોલાર પેનલ પાછળ વીજ ગ્રાહક જેટલો ખર્ચ કરે છે તે ખર્ચના સાપેક્ષમાં તેને સોલારથી મળતી વીજળીના વળતર સ્વરૂપે જે રકમ મળે છે તેમાંથી 5 વર્ષમાં સોલાર પેનલનો ખર્ચ વસુલ થઇ જાય છે.

સરપ્લસ વીજળીનું ગ્રાહકોને સંતોષકારક વળતર મળતું નથી
વીજતંત્ર દ્વારા અત્યારે ઘર વપરાશ માટે આપવામાં આવતી વીજળીના પ્રતિ યુનિટ દીઠ અંદાજીત રૂ. 6 જેટલી કિંમત વીજ ગ્રાહક પાસેથી વસુલવામાં આવે છે. પરંતુ તે જ વીજ ગ્રાહક જો સોલાર પેનલ વસાવે અને પોતાની જરૂરિયાત કરતા વધુ વીજળી સોલારથી પેદા કરે અને આવી સરપ્લસ વીજળી જયારે વીજતંત્રને વેંચાણથી આપે ત્યારે વીજતંત્ર દ્વારા આ વીજળી પ્રતિ યુનિટ રૂ. 2.25 લેખે ખરીદ કરવામાં આવે છે માટે સરકાર દ્વારા વીજ વેચાણના અને વીજ ખરીદના ભાવનો આ તફાવત વીજ ગ્રાહકોને સંતોષકારક લાગતો નથી.

સોલાર પેનલની જગ્યા તબદીલ કરી શકાતી નથી
કોઇપણ વીજ ગ્રાહક પોતાના ઘર પર સોલાર પેનલ લગાડે ત્યારબાદ આવો ગ્રાહક પોતાનું ઘર બદલે તો પણ સોલાર પેનલના યુનિટને અન્ય નવા ઘરમાં તબદીલ કરી શકતો નથી. જેના લીધે ટૂંકા ગાળામાં ઘર બદલી કરવાના સંજોગો ધરાવતા વીજ ગ્રાહકો સોલાર પેનલ વસાવવા માટે રાજી થતા નથી.

અન્ય સમાચારો પણ છે...